Western Times News

Gujarati News

મુખ્યમંત્રી શનિવારે વડોદરામાં આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને નિયુક્તિપત્રો એનાયત કરશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શહેરના નવલખી મેદાનમાં સાંજે પાંચ વાગ્યથી કાર્યક્રમ, મહિલાલક્ષી યોજનાઓના લાભોનું પણ વિતરણ

વડોદરા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલ તા. ૨૧ને શનિવારના રોજ અહીંના નવલખી મેદાનમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હસ્તકની આંગણવાડીમાં નવી ભરતી પામેલા કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવનાર છે. શાળામાં બાળકોના સ્થાયીકરણના દરની વૃદ્ધિ સાથે પ્રિપ્રાયમરીના તબક્કે બાળકને તંદુરસ્ત બનાવવાના રાજ્ય સરકારના ઉપક્રમમાં આ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો છે.

રાજ્યમાં કુલ ૭૦૯૨ પૈકી વડોદરા ઝોનના સાત જિલ્લાઓ અને એક મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૪૧૬ માનદ્દસેવા નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવશે. સાંજે પાંચ વાગ્યાથી યોજાયેલા આ કાર્યક્રમની સાથે સેજા અને ઘટક કચેરીઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ થશે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે શક્તિમેળાનું ઉદ્દઘાટન થશે. જેમાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચિજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ થશે.

ઉક્ત કાર્યક્રમની સાથે જ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વ્હાલી દીકરી યોજનાના મંજૂરી પત્રો, ગંગાસ્વરૂપા બહેનોને આર્થિક સહાય મંજૂરી પત્રો, મહિલા સ્વાવલંબન યોજનાના લાભોની વિતરણ કરવામાં આવશે. મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટનું ડિઝીટલ અનાવરણ કરવામાં આવશે.

જિલ્લામાં ચાલી રહેલા વિકાસકામો અને યોજનાકીય પ્રવૃત્તિની જિલ્લામાં જઇ સમીક્ષા કરવાની શ્રૃખંલામાં મુખ્યમંત્રીશ્રી વડોદરા જિલ્લાની પણ સમીક્ષા કરશે. આ માટે ઉક્ત કાર્યક્રમ બાદ એસએસજી હોસ્પિટલના સભાગૃહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી દિશાદર્શન કરશે.

આ કાર્યક્રમમાં મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, રાજ્યમંત્રી શ્રી મનિષાબેન વકીલ, મેયર શ્રી કેયુરભાઇ રોકડિયા, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ પણ જોડાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.