મુખ્યમંત્રી શહેરી વિકાસ બજેટમાંથી તુટેલા રોડ રીપેરીંગ માટે રૂા.ર૩૧ કરોડ ખર્ચ કરવામાં આવ્યા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓકટ્રોટ દર શુન્ય કરવામાં આવ્યો તે સમયે રાજય સરકારે ઓકટ્રોય અવેજી ગ્રાન્ટ પેટે દર મહીને રૂા.૬૭ કરોડ આપવા જાહેરાત કરી છે તેમજ દર વરસે ગ્રાન્ટમાં ૧પ ટકાનો વધારો કરવા માટે “વચન” પણ આપવામાં આવ્યું હતું. રાજય સરકારે ઓકટ્રોય ગ્રાન્ટ માટેની જાહેરાતનું પાલન કર્યુ છે પરંતુ દર વરસે ૧પ ટકા વધારો આપવામાં આવ્યો નથી જેના કારણે વિકાસના કામોની ગતિ ધીમી પડી હતી. રાજય સરકારે ઓકટ્રોટ ગ્રાન્ટમાં વધારો કરવાના બદલે દર વરસે આઠ મહાનગરપાલિકાઓને અલગ ગ્રાન્ટ આપવાની શરૂઆત કરવામાં આવી હતી જેને “સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” નામ આપવામાં આવ્યુ છે. સરકાર તરફથી દર વરસે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી વિકાસના કામોની સાથે સાથે રોડ રીપેરીંગના કામો પણ થઈ રહયા છે. ર૦૧૬-૧૭ બાદ રૂા.ર૦૦ કરોડથી વધુ રકમ રોડ રીસરફેસ અને રીપેરીંગ માટે ખર્ચ કરવામાં આવી છે જયારે બ્રીજ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલી રકમમાંથી માંડ ર૦ ટકા રકમ જ ખર્ચ કરવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા ર૦૦૯-૧૦ના વર્ષથી દર વરસે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ગ્રાન્ટ આપવામાં આવે છે. ર૦૦૯-૧૦માં રૂા.૮ર૮.૪૩ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી. જેનું મુખ્ય કારણ ઓકટ્રોયની બંધ થયેલ આવકના કારણે ધીમી થયેલી વિકાસના કામોની ગતિમાં ઝડપ લાવવાની હતી ત્યારબાદ રૂા.ર૦૦થી ૪૦૦ કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવતી હતી. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રૂા.પપ૦ થી ૬૦૦ કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે.
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત ઈન્ફાસ્ટ્રકચરના કામ થાય છે. એસ.વી.પી. હોસ્પીટલનું નિર્માણ પણ સદ્ર ગ્રાન્ટમાંથી જ કરવામાં આવ્યું છે તેવી જ રીતે ચોમાસામાં “કદરૂપા” બનેલા રોડ- રસ્તા માટે પણ મોટી રકમ ખર્ચ થાય છે. સુત્રોએ જણાવ્યા મુજબ સ્વર્ણિમની ગ્રાન્ટ અંતર્ગત ર૦૧પ-૧૬માં રોડ રીસરફેસના ૧ર૭ કામ કરવામાં આવ્યા છે જેના માટે રૂા.૧૩૦.૩૮ કરોડનો ખર્ચ થયો છે. ર૦૧૭-૧૮માં રૂા.૮૦.૮૦ કરોડના ખર્ચથી ૪ર૩ કામ કરવામાં આવ્યા હતા. આ તમામ ખર્ચ ધોવાણ થયેલા રોડ રીપેરીંગ માટે થયો હતો. ર૦૧૭માં ૧૩૦ કરતા વધુ રોડના ધોવાણ થયા છે. નામદાર હાઈકોર્ટના આકરા વલણ બાદ મ્યુનિ. તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે ૪ર૩ સ્થળે રોડ રીપેરીંગ અને ખાડા પુરવાના કામ કરવામાં આવ્યા હતા. ર૦ર૧-ર૧ના વર્ષમાં તંત્ર દ્વારા માત્ર ૬ર સ્થળે રોડ રીપેરીંગ કરવામાં આવ્યા હતા જેના માટે રૂા.રપ.૬ર કરોડનો ખર્ચ થયો હતો. આમ છેલ્લા પાંચ-સાત વર્ષમાં સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી ૬૧ર સ્થળે રોડ રીસરફેસ- રીપેરીંગના કામ કરવામાં આવ્યા હતા જેના માટે રૂા.ર૩૧.પ૩ કરોડ જેટલી માતબર રકમ ખર્ચ કરવામાં આવી હતી.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૯-ર૦ ના બજેટમાં વીસ જેટલા સ્થળે ફલાયઓવરની જાહેરાત કરવામાં આવી હતી જે પૈકી રાજય સરકારે સાત ફલાય ઓવર માટે મંજુરી આપી છે તથા રૂા.૩૩.પ૦ કરોડ ફાળવ્યા છે. પરંતુ તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષમાં નવા ફલાય ઓવર માટે ફાળવવામાં આવેલી રકમમાંથી માત્ર રૂા.૬.૭૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.