Western Times News

Gujarati News

‘ધી અસલાલી સેવા સહકારી મંડળી’ના નવનિર્મિત અદ્યતન ભવનનું ઉદ્ઘાટન

ધી અસલાલી સેવા સહકારી મંડળીનું નવીન ‘ઘનશ્યામ અમીન સહકાર ભવન’ આગામી સમયમાં સેવા પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ બનશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી ઘનશ્યામભાઈ અમીનના જીવન પર તૈયાર કરાયેલું ‘મારું જીવન અંજલિ થાજો’ પુસ્તકનું પણ વિમોચન થયું

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અસલાલી ખાતે  સહકારી મંડળીના નવા ભવનના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે, અસલાલી સહકારી મંડળીનું આ નવીન ‘ઘનશ્યામ અમીન સહકાર ભવન’ આગામી સમયમાં સેવા પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ બનવાનું છે.*

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અસલાલીની સહકારી મંડળી જેવી  અનેક મંડળીઓની સિદ્ધિઓ જ ગુજરાતના સહકારી ક્ષેત્રનો વિકાસ દર્શાવે છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.

મુખ્યમંત્રી શ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતના પશુપાલકો અને દૂધ સંઘોને ઉપયોગી વિવિધ સરકારી સહાયથી આજે ગુજરાતની સહકારી મંડળીઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે, જે આપણા સૌ માટે એક આનંદ અને ગૌરવની વાત છે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં પ્રથમ વાર કેન્દ્ર સરકારમાં સહકાર વિભાગ રચવામાં આવ્યો છે તેની ભૂમિકા આપતા જણાવ્યું કે,  વડાપ્રધાનશ્રીની પ્રેરણા, પ્રયાસ અને આહવાનથી આજે સહકારી ક્ષેત્ર ઊર્જાવાન બન્યું છે,  શ્રી નરેન્દ્રભાઈ જાણતા હતા કે સહકારી ક્ષેત્ર મજબૂત હશે તો રાજ્ય પણ મજબૂત બનશે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યના દરેક નાના ગામડાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં કામ કરે તો  ગુજરાત આત્મનિર્ભર બનશે અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ સાકાર થશે.

આ અવસરે સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, આઝાદીનાં ૭૫ વર્ષ બાદ દેશમાં જે સહકાર વિભાગની જરૂરિયાત હતી એ સહકાર વિભાગ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવીને ‘સહકારથી સમૃદ્ધિ’ તરફની એક નવી દિશા આપી છે.

મંત્રીશ્રીએ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે સહકારી મંડળી તરફથી નવા ઇનોવેટિવ આઇડિયા લાવવાનો પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શ્રી ઘનશ્યામભાઈ અમીને જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં સહકારી ક્ષેત્રના અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જે આવનારા સમયમાં સહકારી ક્ષેત્રને વધુ ને વધુ આગળ દોરી જશે.

આ અવસરે સ્વાગત પ્રવચનમાં ધી અસલાલી સેવા સહકારી મંડળીના ડિરેક્ટર શ્રી અજીતભાઇ પટેલે ‘ધી અસલાલી સેવા સહકારી મંડળી’ વિશે વિસ્તૃતમાં વિગતવાર માહિતી આપી હતી.

આ પ્રસંગે ‘મારું જીવન અંજલિ થાજો’ પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે ‘મહા મેગા મેડિકલ ચેકઅપ’ કેમ્પનું પણ આયોજન થયું હતું.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી નરહરી અમીન,  ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, ઈફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, ગુજરાત સ્ટેટ કો-ઓપ બેન્કના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, અસલાલી સેવા સહકારી મંડળીના સદસ્યો અને સહકારી અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.