Western Times News

Gujarati News

મુખ્યમંત્રી સુરસાગર તળાવ ખાતે મહાઆરતીમાં સહભાગી થયા

ભગવાન શિવે જગકલ્યાણ માટે વિષપાન કર્યું હતું: મુખ્યમંત્રીશ્રી  વિજયભાઈ રૂપાણી

મહાશિવરાત્રીના પાવન દિને ભારત વિશ્વગુરુ બને તેવી મનોકામના વ્યક્ત કરી

મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. 35 કરોડના ખર્ચે નવપલ્લવિત થયેલ સુરસાગર તળાવનું લોકાર્પણ

વડોદરા બન્યું શિવમય: હજારો નગરજનો દિપ સાથે મહાઆરતીમાં જોડાયા

વડોદરા:      મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, દેવોના દેવ ભગવાન શિવે જગકલ્યાણ માટે સમુદ્ર મંથનદરમિયાન વિષપાન કરી અમૃત દેવોને અર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ભગવાન શિવના ત્રિનેત્રની જેમ ભારત સામે કોઈ ઊંચી આંખ કરીને ન જોવે અને ભારત શક્તિશાળી બનવા સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નયા ભારતના સંકલ્પને સાકર કરી ભારત વિશ્વગુરુ બને તેવી મનોકામના વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મહાશિવરાત્રીના પાવન પર્વે ન્યાય મંદિર ખાતે શિવ ની સવારી-શિવ યાત્રાનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂ. ૩૫ કરોડના ખર્ચે નવપલ્લવિત થયેલ સુરસાગર તળાવનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, નર્મદા વિકાસ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ તળાવ ખાતે સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમા સમક્ષ મહાઆરતી કરી શિવ પૂજન-અર્ચન કર્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુરસાગર તળાવનું બ્યુટીફીકેશન થતા શહેરમાં એક નવું નજરાણું ઉમેરાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરસાગર તળાવનું નામ સુરેશ્વર દેસાઇના નામ પરથી પડ્યું હતું. જે ચંદન તલાવડી તરીકે ઓળખાતું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભગવાન શંકર જળાભિષેક અને ફૂલથી પ્રસન્ન થઈ ભક્તજનો પર કૃપા કરે છે મુખ્યમંત્રીશ્રીએ મહાશિવરાત્રીના પાવન દિને જગત નિર્માતા બ્રહ્મા-વિષ્ણુ-મહેશની કૃપા સદા ગુજરાત વરસતી રહે તેમ જણાવી વડોદરાવાસીઓને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે વિરાટ શિવ પ્રતિમાના નિર્માતા શ્રી નરેશ માથુરામનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સન્માન પત્ર અને મોમેન્ટો અર્પણ કરી બહુમાન કર્યું હતું.

મહાઆરતીમાં સંસ્કારી નગરીના હજારો નગરજનો દીપ સાથે જોડાયા ત્યારે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું. મેયર ડો. જીગિશાબેન શેઠે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો સર્વ શ્રી જિતેન્દ્રભાઈ સુખડિયા, કેતન ઈનામદાર, મનીષાબેન વકીલ, સીમાબેન મોહિલે, મ્યુનિસિપલ કમિશનર શ્રી નલીન ઉપાધ્યાય, કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી, મહાનગરપાલિકાના હોદ્દેદારો, નગરસેવકો, પદાધિકારીઓ, શિવ પરિવારના હોદ્દેદારો, સહિત વિશાળ સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.