મુખ્ય મંત્રીએ યુવાનોને પ્રતિકરૂપે રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત કર્યા
અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુશાસન સપ્તાહ અંતર્ગત અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ કરારપત્રોનું વિતરણ સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતે સમગ્ર દેશમાં ગુડ ગવર્નન્સ આંકમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
તેમણે કહ્યું કે, કોઈ પણ રાજ્ય- રાષ્ટ્રના વિકાસ માટે પાયાની શરત એ ગુડ ગવર્નન્સ છે. અને ગુજરાતે ગુડ ગવર્નન્સના ક્ષેત્રે નવા માપદંડો પ્રસ્થાપિત કર્યા છે. તેમણે ઉમેર્યું કે, અર્થવ્યવસ્થા, માનવ સંસાધન, માળખાગત સુવિધા, સમાજ કલ્યાણ અને સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
મુખ્યમંત્રીએ સુશાસન સપ્તાહ નિમિત્તે ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીનું પણ સ્મરણ કર્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રમમેવ જયતેનું સૂત્ર આપી શ્રમનો મહિમા વધાર્યો છે અને યુવાનોના બાવડાના બળે આર્ત્મનિભર ભારત અને નયા ભારતનો સંકલ્પ કર્યો છે.
તેમણે આ અવસરે એમ પણ ઉમેર્યું કે, નરેન્દ્રભાઈએ “હર હાથ કો કામ, હર કામ કો સન્માન” નું સૂત્ર ચરિતાર્થ કર્યું છે. મુખ્યંમંત્રીશ્રીએ ગૌરવભેર જણાવ્યું કે, નવી સદીનો આ કાળખંડ ભારત માટે નવી તકો લઈને આવ્યો છે ત્યારે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે યુવાશક્તિને કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા જેવા અભિયાન થકી વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરી રહ્યા છીએ.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, સ્કીલ હ્યુમન રિસોર્સ એ આજના સમયની આવશ્યકતા છે અને ગુજરાત તે દિશામાં મક્કતાથી આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પગલે ગુજરાતમાં ઉદ્યોગો સ્થપાતા કૌશલ્યવાન યુવાનોની જરૂરિયાત ઉભી થઈ છે, ત્યારે તેને અનુલક્ષીને ગુજરાત સરકારે નવા અભ્યાસક્રમો પણ શરુ કર્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે , સુશાસન સપ્તાહમાં આજનો દિવસ આપણે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારને સમર્પિત કર્યો છે. મુખ્યમંત્રીએ આ અવસરે ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે એવી શ્રમ-શાંતિ એટલે કે લેબર પીસનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ યુવાનોને આહવાન કરતાં કહ્યું કે, હું ઈચ્છું છે કે ગુજરાતના વિકાસમાં યુવાનો સહભાગી બને અને આ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતની વિકાસયાત્રામાં વધુને વધુ યુવાનોને જાેડી રહ્યા છે.
મુખ્યમંત્રીએ આ અંગેની પૂર્વભૂમિકા આપતા કહ્યું કે, ગુજરાતની રોજગાર કચેરી દ્વારા આ વર્ષે કુલ. ૧.૬૭ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે અને આ આંકડો છેલ્લા પાંચ વર્ષમાં ૧૭.૩૧ લાખનો રહ્યો છે.HS