Western Times News

Gujarati News

મુજફ્ફરનગર, અમરોહા સહિત ઘણા જિલ્લામા ભાજપ સપા કાર્યકર્તાઓમાં ઝડપ

લખનૌ: ઉત્તર પ્રદેશમાં બ્લોક પ્રમુખ ચૂંટણીના ૪૭૬ પદો માટે શનિવારે મતદાન થયું હતું. મતદાન દરમિયાન ઘણા વિસ્તારોથી ઝડપ, બબાલ અને હંગામાના સમાચાર સામે આવી રહ્યા છે. હમીરપુરમાં બીજેપી અને સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થઇ હતી. જે પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મુજફ્ફરનગર, અમરોહા, પ્રતાપગઢ અને લખીમપુર ખીરીમાં હંગામાના સમાચાર સામે આવી રહ્યા છે.

લખીમપુર ખીરીના સદર બ્લોકમાં મતગણના સ્થળ પર જવા માટે બસપા નેતા મોહન વાજપેયી અને તેમના સમર્થકો ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા. પોલીસે મોહન વાજપેયીને અંદર જવા દીધો ન હતો. જેથી મોહન અને તેના સમર્થકોએ નારેબાજી શરૂ કરી હતી. સ્થિતિ તણાવપૂર્ણ થતા સીઓ સિટી અરવિંદ કુમાર વર્માએ મોરચો સંભાળ્યો હતો અને ઉપદ્વવ કરવાનો પ્રયત્ન કરનાર પર હળવો લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે.

જ્યારે મુજફ્ફરનગરના બુઢાનામાં મતદાન દરમિયાન ભાજપા ધારાસભ્ય ઉમેશ મલિક આવતા જ વિરોધી જુથના સમર્થકોએ હંગામો કર્યો હતો. ઉમેશ મલિકને ત્યાંથી ચાલ્યા જવાની માંગણી કરી હતી. આ દરમિયાન ભાકિયુના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકૈત પણ ત્યાં પહોંચી ગયા હતા. ટિકૈતે એસપી ક્રાઇમને ઇમાનદારીથી ચૂંટણી કરાવવાની વાત કહી હતી.

પ્રતાપગઢ જિલ્લાના આસપુર દેવસરા વિકાસખંડમાં બ્લોક પ્રમુખની ચૂંટણી દરમિયાન સપાના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝડપ થઇ હતી. સપા ઉમેદવારના સમર્થકો દ્વારા પત્થરમારા બાદ પોલીસે સ્થિત કાબુ કરવા ઘણા રાઉન્ડ ફાયર કર્યા હતા. હંગામાના કારણે મતદાન બાધિત થયું હતું.સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને નિર્દેશ આપતા કહ્યું કે એક-એક વિકાસ ખંડની સ્થિતિ પર સીધી નજર રાખવામાં આવે. માહોલ બગાડનાર લોકો સામે ઝીરો ટોલરેન્સની નીતિ સાથે તાત્કાલિક સખત કાર્યવાહી કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.