મુદ્તે આવેલા પતિ- પત્નિ ઘીકાંટા કોર્ટમાં ઝઘડી પડતાં મારમારીના દ્રશ્યો સર્જાયા
(પ્રતિનિધિ) અમદાવાદ : ગતરોજ દહેજના કેસ માટે કોર્ટમાં આવેલા દંપતી વચ્ચે ઝઘડો થતાં તેમના પરીવારના સભ્યો પણ વચ્ચે પડતાં ઘીકાંટા કોર્ટના સંકુલમાં જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ દ્રશ્યો જાઈને કોર્ટમાં આવેલા અન્ય લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા. બાદમાં કારંજ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
નિકીતાબેન ચુનારા (ઉ.વ.ર૬) એ પોતાના પતિ મહેન્દ્રભાઈ તથા અન્ય સાસરીયાઓ વિરૂધ્ધ દહેજ તથા મારામારીનો કેસ કર્યો હતો જેની સુનાવણી હોઈ બંને પક્ષના સભ્યો ગતરોજ ઘીકાંટા કોર્ટ ખાતે આવ્યા હતા બપોરે બાર વાગ્યાના સુમારે કોર્ટના સંકુલમાં પતિ-પત્નિ સામે આવતા જ બંને બાખડી પડયા હતા અને જાતજાતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંનેના સગા પણ એકબીજા સાથે ઝઘડી પડતાં કોર્ટના સંકુલમાં જ મારમારીના દ્રશ્યો સર્જાતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી આ અંગે જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તમામને લઈને કારંજ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.