મુબઇ હુમલાનાં માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને ટેરર ફંડિંગ કેસમાં 5 વર્ષની સજા
ઇસ્લામાબાદ, પાકિસ્તાનની અદાલતે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનાં પ્રમુખ હાફીઝ સઇદને ટેરર ફંડીગ કેસમાં દોષિત ઠરાવ્યો છે, અદાલતે આ કુખ્યાત આતંકી અને મુંબઇ હુમલાનાં માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને 5 વર્ષની સજા ફટકારી છે. લાહોરની આતંક વિરોધી અદાલત ન્યાયાધિશ અરશદ હુસેન ભટ્ટાએ જમાત ઉદ દાવાનાં પ્રમુખ હાફિઝ સઇદનાં આતંકી સંગઠનની ગતિવિધીઓ માટે નાણા પહોંચાડવાનાં બે કેસમાં ગુરૂવારે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી પક્ષે અદાલતમાં સઇદ અને તેનાં સમર્થકોની આતંકી ગતિવિધીઓને આર્થિક મદદ પહોંચાડવાનાં આરોપને સાબિત કરવા માટે 20 સાક્ષીઓને રજુ કરવામાં આવ્યા હતાં, સઇદને કડક સુરક્ષા બંદોબસ્ત હેઠળ અદાલતમાં લાવવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે બચાવ પક્ષે 30 જાન્યુઆરીનાં દિવસે જ સુનાવણી પુરી કરી લીધી હતી,અને ફરીયાદી પક્ષે ગુરૂવારે અદાલતમાં વધું તર્ક અને પુરાવા રજુ કર્યા. અત્રે ઉલ્લેખનિય છે કે પંજાબનાં આતંકવાદ વિરોધી વિભાગે લાહોર અને ગુજરાનવાલામાં આ કેસ નોંધાવ્યો હતો, વર્ષ 2012માં અમેરિકાએ સઇદને વૈશ્વિક આતંકી જાહેર કરીને તેનાં માથા પર 1 કરોડ ડોલરની ઇનામની રકમ ઘોષિત કરી હતી, તે 26 નવેમ્બર 2008નાં મુબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ છે.