મુરાદાબાદના વોર્ડબોયનું મોત કોરોના વેક્સિન લેવાના કારણે નહીં પરંતુ હાર્ટ એટેકના કારણે થયું છે : સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હી, ગઇકાલે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કોરોના વેક્સિન લીધા બાદ એક હોસ્પિટલના વોર્ડબોયનું મોત થયું હતું. ત્યરબાદ પરિવારે આરોપ લગાવ્યો હોતો કે કોરોના વેક્સિન લીધા બાદ તેની તબિયત બગડી અને તેનું મોત થયું છે. ત્યારે હવે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે મહિપાલ નામના વોર્ડબોયનું મોત કોરોના વેક્સિનનના કારણે થયું હોવાના સમાચાર ખોટા છે. પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે મહિપાલની મોત કોરોના વેક્સિનના કારણે નહીં પરંતુ હાર્ટ એટેકના કારણે થયું છે.
ઉલ્લેખનીય છે કે રવિવાર એટલે ગઇકાલે એવા સામાચાર ચાલતા હતા કે મુદાબાદના પંડિત દીન દયાલ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં કામ કરતા મહિપાલ નામના વોર્ડબોયનું મોત થયું છે. 46 વર્ષના આ સ્વાસ્થ્યકર્મીનું મોત કોરોના વેક્સિન લીધાના એક દિવસ બાદ થયું છે. જેથી તેનું મોત કોરોના વેક્સિનના કારણ થયું હોવાનો પરિવારના લોકો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતને નકારી છે અને ખોટી ગણાવી છે.
ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા મહિપાલના શરીરનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું છે કે તેનું મોત હાર્ટએટેકના કારણે થયું છે. ડોક્ટરોએ જણાવ્યું કે તેના હ્રદયનો આકાર સામાન્ય કરતા મોટો હતો અને તેની અંદર બ્લડ ક્લોટ પણ હતા. જેના પરથી એવું લાગે છે કે તેને હ્રદયની કોઇ બિમારી હતી.