Western Times News

Gujarati News

મુરાદાબાદમાં બે દર્દીઓના મૃતદેહોની અદલા-બદલી

મુરાદાબાદ: કોરોના કાળમાં હોસ્પિટલોમાં સારવારના પણ ફાંફા પડી રહ્યા છે અને બેડ મળતા નથી.મૃતદેહોના નિકાલ કરવામાં પણ ભારે અંધાધૂધી જાેવા મળી રહી છે. આવા એક કિસ્સામાં યુપીના મુરાદાબાદ જિલ્લામાં હોસ્પિટલ સત્તાધીશોની લાપરવાહીના કારણે કોરોનાથી મોતને ભેટનારા બે દર્દીઓના મૃતદેહોની અદલાબદલી થઈ ગઈ હતી.ફિલ્મની સ્ક્રિપ્ટ જેવા આ કિસ્સામાં મુરાદાબાદના કોસમોસ હોસ્પિટલમાં એક જ દિવસે બે દર્દીઓના મોત થયા હતા.

એકનુ નામ રામ પ્રતાપ સિંહ અને એકનુ નામ નસીર અહેમદ હતુ. બંનેના મોત એક જ દિવસે થયા બાદ તેમના પરિવારજનોને સૂચના આપવામાં આવી હતી. કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે તેમના મૃતદેહને સીલ કરીને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

રામસિંહના પરિવારજનો મૃતદેહને લઈને સ્મશાન ખાતે પહોંચ્યા હતા. જ્યાં રામસિંહના પુત્રે સીલ ખોલીને પિતાના અંતિમ દર્શન કર્યા ત્યારે તે ચોંકી ઉઠ્‌યો હતો. કારણકે આ મૃતદેહ તેના પિતાનો નહોતો. આમ મૃતદેહને ચિતા પરથી પાછો લેવામાં આવ્યો હતો. પરિવારજનોએ પોલીસને પણ બોલાવી હતી.એ પછી હોસ્પિટલ સત્તાધીશો સાથે વાત થઈ હતી. મૃતદેહ લઈને પરિવારજનો પાછા હોસ્પિટલ પહોંચ્યા હતા. એ પછી મોડી સાંજે નસીર અહેમદના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી હતી કે, તેમણે નસીર અહેમદના મૃતદેહની દફનવિધિ કરી દીધી છે. જાેકે તેમને કહેવામાં આવ્યુ હતુ કે, નસીર અહેમદની જગ્યાએ રામસિંહનો મૃતદેહ તેમને સોંપાયો હતો.

એ પછી રામસિંહના પરિવારજનો સાથે પોલીસ કબ્રસ્તાન પહોંચી હતી. જ્યાં દફન કરાયેલા રામસિંહના મૃતદેહને પાછો કાઢવામાં આવ્યો હતો. પરિવારજનોને મૃતદેહ સુપરત કરાયા બાદ નસીર અહેમદના પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા.

તેમને નસીર અહેમદનો મૃતદેહ આપવામાં આવ્યો હતો અને રામસિંહના મૃતદેહના આખરે અંતિમ સંસ્કાર કરાયા હતા.
એ તો નસીબ સારુ કે રામસિંહના પુત્રે અંતિમ સંસ્કાર કરતા પહેલા મૃતદેહનો ચહેરો જાેઈ લીધો હતો. નહીંતર નસીરની દફનવિધિ ના થાત અને રામસિંહના અંતિમ સંસ્કાર ના થાત. જાેકે હજી સુધી આ મામલામાં બંને મૃતકોમાંથી કોઈના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી નથી. જાે ફરિયાદ થશે તો પોલીસ કાર્યવાહી કરશે તેવુ પોલીસ અધિકારીનુ કહેવુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.