મુલદ ટોલપ્લાઝા પાસેથી ગુટખા તમાકુ ભરેલ કન્ટેનરને SOGએ ઝડપી પાડ્યુ

વડોદરાનાં આર્મી હાઉસ હોલ્ડ મટીરીયલની ખોટી બિલ્ટી બનાવી ગુટકા તમાકુ લઈ જવાતો હતો. :કન્ટેનર ચાલકની રૂ.૭૭ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે અટકાયત તો ચાર શખ્સો વોન્ટેડ.
ભરૂચ: ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પાસેથી ભરૂચ એસ.ઓ.જી પોલીસે વડોદરાનાં આર્મી હાઉસ હોલ્ડ મટીરીયલની ખોટી બિલ્ટી બનાવી ગુટકા અને તમાકુ ભરી ને જતા મહાકાય કન્ટેનરને ઝડપી પાડી કન્ટેનર ચાલકની અટકાયત કરી રૂ.૭૭ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.
ભરૂચ એસઓજી પોલીસેને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર ના નેશનલ હાઈવે પર મુલદ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી.તે દરમ્યાન કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અને વડોદરાના કન્ટેનર ચાલક સુરેન્દ્ર યાદવ પાસેના બીલો ચેક કરતા વડોદરા આર્મી હાઉસ હોલ્ડ મટીરીયલ નું બિલ જોતાં પોલીસ ને આર્મીનો સામાન હોવાનું લાગ્યું હતુ.પરંતુ કન્ટેનર ચાલક સુરેન્દ્ર યાદવ ની હિલચાલ અને હાવભાવ શંકાસ્પદ જણાતા એસઓજી પોલીસે કન્ટેનરના દરવાજા ખોલતા પોલીસ ચોંકી ઉઠી હતી.
આર્મીનાં સામાનને બદલે અંદર અલગ-અલગ પ્રકારનાં પાન-મસાલા,ગુટખા અને તમાકુનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે સઘન તપાસ કરતા વડોદરા આર્મી હાઉસ હોલ્ડ મટીરીયલ ના ખોટા બિલ બનાવી અસલ તરીકે તેનો ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતુ.પોલીસે કન્ટેનર ચાલક સુરેન્દ્ર યાદવ ની ધરપકડ કરી રૂ.૭૧ લાખ ૯૯ હજાર ઉપરાંતનો ગુટકા પાન-મસાલા નો જથ્થો કબ્જે કરી સઘન પૂછપરછ કરતા નરેશ,લાલુ,છગન તેમજ ખાંડા ટ્રાન્સપોર્ટ ના માલીક લક્કીસિંગ નામના શખ્સોના નામ બહાર આવ્યા હતા.એસઓજી પોલીસે રૂ.૫ લાખ નું કન્ટેનર મળી કુલ રૂ.૭૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આ અંગે એસઓજી પોલીસે અંકલેશ્વર શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી.
આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઈ જવામાં આવતો હતો તેની તપાસ ના પોલીસે ચક્રો ગતિમાન કરવા સાથે અન્ય આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથધરી છે. અત્યાર સુધી દારૂ સહિત અન્ય પ્રતિબંધિત વસ્તુઓ વિવિધ રીતે લઈ જવાના કિસ્સા બહાર આવ્યા હતા.પરંતુ આર્મીના સામાન ના બિલના ઓથા હેઠળ આ રીતે તમાકુ અને ગુટકાની હેરાફેરી ખરેખર ચિંતાજનક કહી શકાય ત્યારે તેની તલસ્પર્શી તપાસ થાય તે જરૂરી છે.