મુલદ નજીક અજાણ્યા વાહનની અડફેટે નીલગાય ઘાયલ
સ્થાનિકોની મદદથી વનવિભાગ દ્વારા સારવાર શરુ કરવામાં આવી
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયા તાલુકાના મુલદ ગામ નજીક સરદાર પ્રતિમા રોડ પર આજે એક નીલગાય જખ્મી હાલતમાં મળી આવી હતી.બુધવારની વહેલી સવારે નેશનલ હાઈવેને જાેડતા સરદાર પ્રતિમા રોડ પર એક નીલગાય ઈજાગ્રસ્ત હાલતમાં દેખાતા સ્થાનિક ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી.
વનવિભાગ દ્વારા ગ્રામજનોની મદદથી ઈજાગ્રસ્ત નીલગાયની સારવાર શરુ કરવામાં આવી.વહેલી સવારે નીલગાય રસ્તો ક્રોસ કરતી વખતે કોઈ અજાણ્યા વાહનની ટક્કરે જખ્મી થઈ હોવાનું મનાય છે.ઉલ્લેખનીય છેકે આ વિસ્તારમાં જવલ્લે જ નીલગાય દેખાતી હોવાનું સ્થાનિક ગ્રામજનો દ્વારા જાણવા મળ્યુ હતુ.
સામાન્ય રીતે તાલુકામાં નીલગાયની ખાસ વસતિ જણાતી નથી પરંતુ નર્મદા કિનારા અને મુલદ ગામની આસપાસ કોઈક વખત નીલગાય જાેવા મળતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.ધોરીમાર્ગ પર બેફામ દોડતા વાહનોથી અવારનવાર નાના મોટા અકસ્માત થતાં હોવાની ઘટનાઓ સર્જાય છે.