મુશ્કેલીભર્યા લગ્નજીવન અંગે એક્ટ્રેસ ચારુ અસોપાએ કહ્યું, ‘જાે ટકવાના હશે તો…’
મુંબઈ: ટેલિવિઝન એક્ટ્રેસ ચારુ અસોપા આજકાલ તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે ચારુએ લગ્ન કર્યા છે. જાે કે, હાલ ચારુ અને રાજીવનું લગ્નજીવન ભંગાણના આરે છે તેવા અહેવાલો છે. ચારુનું માનીએ તો હાલ તો તે પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. ચારુ છેલ્લે ૨૦૧૯માં ટીવી શો કર્ણસંગિનીમાં જાેવા મળી હતી. હવે તે સીરિયલ ‘અકબર કા બલ…બિરબલ’માં જાેવા મળશે.
ચારુને અંગત જીવન વિશે સવાલ પૂછવામાં આવતા તેણે કહ્યું, ‘હું આ વિશે વાત કરવા નથી માગતી. જાે મારા લગ્ન ટકવાનું કિસ્મતમાં લખ્યું હશે તો એમ થશે. મેં હવે મારા લગ્ન ભગવાન ભરોસે છોડી દીધા છે. જાે ટનલના અંતે પ્રકાશ હશે તો એક દિવસ જરૂર દેખાશે.’
ઉલ્લેખનીય છે કે, ચાર મહિનાની રિલેશનશીપ બાદ ચારુ અસોપા અને રાજીવ સેને ગયા વર્ષે જૂન મહિનામાં લગ્ન કર્યા હતા. ચારુને પૂછવામાં આવ્યું કે, લગ્ન કરતાં પહેલા એકબીજાને સમજવા માટે એકબીજા સાથે વધુ સમય વિતાવવો જરૂરી છે ? જવાબ આપતા એક્ટ્રેસે કહ્યું, ‘મને ખબર નથી કારણકે હું આ વિષયની નિષ્ણાત નથી. જાે કે, મને લાગતું નથી કે આ સાચું હોય. ખુશહાલ લગ્નજીવન માટે લાંબી કે ટૂંકાગાળાની રિલેશનશીપ મહત્વ નથી રાખતી.’
પર્સનલ લાઈફને બાજુ પર રાખીને ચારુ પ્રોફેશનલ લાઈફ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલ તો ચારુ પોતાના આગામી પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત છે. નવા પ્રોજેક્ટ વિશે વાત કરતાં ચારુએ કહ્યું, ‘હાલની પરિસ્થિતિ દરેક માટે કપરી છે અને એવામાં કોઈને હસાવવાથી વધુ સારું કામ બીજું કયું હોઈ શકે. એટલે જ મને લાગ્યું કે કોમેડી શોમાં કામ કરવું જાેઈએ. હું થોડી નર્વસ છું કારણકે આ મહામારીની વચ્ચે શૂટિંગ કરવું પડશે અને હું પહેલીવાર કોમેડી કરવા જઈ રહી છું.’
કોરોના મહામારી દરમિયાન ફરીથી શૂટિંગ શરૂ કરવા અંગે ભયભીત છે ? આ પ્રશ્નનો જવાબ આપતાં ચારુએ કહ્યું, ‘એક દિવસ તો કામ શરૂ કરવાનું જ હતું ને. આ મહામારી જલદી પૂરી થાય તેવું લાગતું નથી. એટલે તકેદારી રાખીને કામ શરૂ કરવું જ રહ્યું.’