મુસાફરો ત્રાહિમામ : ટૂંકા પગારવાળાની ‘ઘાટ કરતા ઘડામણ’ વધારે જેવી સ્થિતિ
અમદાવાદ: કોરોનાનો ફફડાટ હજુ પણ વ્યાપક સ્તરે જાેવા મળી રહ્યો છે. બે મહિનાના લોકડાઉન પછી અનલોકમાં નાગરિકો ડરતા-ડરતા રાહતનો શ્વાસ લઈ રહ્યાં છે. કામ-ધંધે જતા નાગરિકો ભારે હાડમારીનો સામનો કરી રહ્યાં છે. કારણ કે રોજબરોજના વ્યવહારમાં ઉપયોગમાં લેવાતી લાલબસ આજકાલ રૂટિન ચાલતી નથી. કોરોના વધારે ફેલાય નહિં તે માટે લાલદરવાજા કે કાલુપુર સુધી બસને લંબાવવામાં આવતી નથી. પરિણામે અમદાવાદ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.
પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં અમદાવાદ વહેંચાઈ ગયું હોવાથી આવતા-જતા લોકોને મુશ્કેલી પડી રહી છે.
પૂર્વ વિસ્તાર એટલે કે પુલની પેલેપારથી નોકરી માટે આવતા નાગરિકો અને તેમાં પણ એ.એમ.ટી.એસ.ની બસમાં મુસાફરી કરતા મુસાફરોને પુલની બીજી તરફ આવવા માટે બે થી ત્રણ બસ બદલવી પડે છે. અગર તો રીક્ષાભાડા ખર્ચવા પડે છે. જેને કારણે ઘણી વખત તો “ઘાટ કરતા ઘડામણ વધારે” ની સ્થિતિ સર્જાય છે. મતલબ એ કે પગાર કરતા ખર્ચા વધી જાય છે. શહેર અને પેલી તરફ તથા નદીપારના વિસ્તારમાં સેંકડો લોકો બસનો ઉપયોગ કરીને કામ ધંધે આવે છે.
વળી બસો બંધ હોવાથી તેમને ઓટોરીક્ષામાં બેસવું પડે છે. અહીયા પણ બે મુસાફરોને બેસાડવાની મંજૂરીનો નિયમ નડતો હોવાથી શટલ રીક્ષાવાળાઓએ ભાવ વધારી દીધા છે, તો બસોની સંખ્યા વધવાની જગ્યાએ ઘટી રહી છે. એ.એમ.ટી.એસ. સત્તાવાળાઓ કહે છે કે પેસેન્જરો મળતા નથી તેથી બસો ઘટાડવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે છેવટે તો પિસાવાનું સામાન્ય જનતાને ભાગે આવે છે. જાે કે લાલ બસો ઝડપથી તેની પૂરેપૂરી સ્ટ્રેન્થ સાથે પૂર્વવત થાય
તેવું જણાતું નથી તેમ છતાં સામાન્ય જનતા ઈચ્છી રહી છે કે લાલ દરવાજા સુધી લાલ બસો ચાલુ થાય જેને કારણે સેંકડો મુસાફરોને રાહત થઈ શકે છે. પરંતુ હાલમાં બસો બંધ રહેવાથી કામકાજના સ્થળ સુધી પહોંચવામાં મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.