મૃતકના અસ્થિ હવે સ્પિડ પોસ્ટથી મોકલી શકાશે
નવી દિલ્હી: પોસ્ટ વિભાગે કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના પરિવારજનો માટે એક નવી પહેલ કરી છે. ઓમ દિવ્ય દર્શન સંસ્થાના સહયોગથી પોસ્ટ વિભાગે શરૂ કરેલી પહેલ અંતર્ગત મૃતક વ્યક્તિના અસ્થિ સ્પીડ પોસ્ટ દ્વારા વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર અને ગયા મોકલી શકાશે. ત્યાં સંસ્થાના પ્રતિનિધિઓ વિધિવત અસ્થિ વિસર્જન સહિત શ્રાદ્ધ વગેરે કર્મકાંડ કરાવી આપશે.
કોરોના સંક્રમણ દરમિયાન અનેક લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને વિધિવત રીતે તેમના અંતિમ સંસ્કાર પણ નથી થઈ શક્યા. સનાતન ધર્મમાં પવિત્ર નદીઓમાં અસ્થિ વિસર્જનની પરંપરા છે. તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી પહેલ અંતર્ગત દેશના કોઈ પણ ખૂણેથી પોસ્ટ ઓફિસ દ્વારા સ્પીડ પોસ્ટના માધ્યમથી અસ્થિ ઉક્ત જગ્યાઓએ મોકલી શકાશે.
આ સુવિધા મેળવવા માટે ઈચ્છુક વ્યક્તિએ ઓમ દિવ્ય દર્શન સંસ્થાના પોર્ટલ htpp://omdivyadarshan.org પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
ત્યાર બાદ પોસ્ટ ઓફિસના માધ્યમથી અસ્થિઓનું પેકેટ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. સારી રીતે પેક કરવામાં આવેલા અસ્થિના પેકેટ પર મોટા અક્ષરોમાં ‘ઓમ દિવ્ય દર્શન’ લખવાનું રહેશે જેથી તેને અલગ ઓળખી શકાય. પેકેટ પર મોકલનારાનું સંપૂર્ણ નામ, એડ્રેસ, મોબાઈલ નંબર પણ લખવાનો રહેશે. મોકલાનારા પાસેથી જ સ્પીડ પોસ્ટનો ચાર્જ લેવામાં આવશે.
સ્પીડ પોસ્ટ બુક કર્યા બાદ મોકલનારાને ઓમ દિવ્ય દર્શન સંસ્થાના પોર્ટલ પર સ્પીડ પોસ્ટ બારકોડ નંબર સહિતની બુકિંગ ડિટેઈલ્સ અપડેટ કરવી પડશે. પોસ્ટ ઓફિસમાં પેકેટ આવી જાય ત્યાર બાદ તેને ઓમ દિવ્ય દર્શનના એડ્રેસ પર મોકલવામાં આવશે. ત્યાર બાદ સંસ્થાના પુરોહિતો દ્વારા વિધિવત અસ્થિ વિસર્જન અને શ્રાદ્ધ સંસ્કાર વગેરે કરાવવામાં આવશે. મૃતકના પરિવારજનો વિધિને વેબકાસ્ટના માધ્યમથી જાેઈ પણ શકશે. તમામ સંસ્કારો બાદ સંસ્થા મૃતકના પરિવારજનોને પોસ્ટ દ્વારા એક બોટલ ગંગાજળ પણ મોકલશે.