મૃતક મામાની મિલ્કતો બારોબાર વેચી મારતાં મુંબઈની વ્યક્તિ વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ
મિલ્કતોની વારસાઈ હક મેળવવા કોર્ટમાં કેસ ચાલુ હતો : કાલુપુર પોલીસે કાર્યવાહી શરૂ કરી |
(પ્રતિનિધિ) અમદાવાદ : કાલુપુર પોલીસ સ્ટેશનમાં ઝવેરીવાડ ખાતે આવેલી અને વહીવટ કરવા માટે આપેલી મિલ્કતો બારોબાર વેચી મારતાં મુંબઈના એક વ્યક્તિ વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ દાખલ થઈ છે વેચાણ થયેલ ઉપરાંત અન્ય મિલકતો અંગે કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં બારોબાર વેચી મારવામાં આવતા ફરીયાદ નોંધાવવામાં આવી છે.
એલીસબ્રીજ વિસ્તારમાં આવેલી નગરી હોસ્પીટલની સામે વસંતકુંજમાં રહેતા બુધાલાલ ઝવેરી તથા તેમની પત્નીને સંતાનમાં કોઈ ન હતુ તેથી તેમના ત્યાં નોકરી કરતા નારણભાઈ દંતાણીને બુધાલાલે પોતાની મિલ્કતો લખી આપી હતી બાદમાં બુધાલાલ તથા નારણભાઈ બંને મૃત્યુ પામતા નારણભાઈની ત્રણ દિકરીઓ મિલકતની વારસદાર બની હતી
જાકે બુધાલાલની બહેનના દિકરા ગિરીશભાઈ ચીનુભાઈ શેરદલાલ (મુંબઈ)એ પણ કોર્ટમાં પોતાનો દાવો કરતાં કોર્ટે તેમને વહીવટકર્તા તરીકે નિમ્યા હતા ત્યારબાદ ગીરીશભાઈએ વારસાઈ હક મેળવવા કેસ કર્યો હતો જાકે એ કેસ હજુ કોર્ટમાં ચાલતો હતો.
દરમિયાન નારણભાઈ દંતાણીના પુત્રી નીરુબેન દંતાણી (ઘાટલોડીયા)ને ગીરીશભાઈએ ઝવેરીવાડ પટણી ખડકીમાં આવેલી મિલકતો બારોબાર વેચી મારી હોવાની જાણ થતાં તેમણે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગીરીશભાઈ વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.
અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ મિલ્કતોનું બારોબાર વેચાણ કરી દેવાની ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે આ કેસમાં સામ સામે દાવા કરવામાં આવ્યા હતા અને આ અંગેનો કેસ પણ ચાલુ હતો પરંતુ તેની અવગણના કરી મિલકતો બારોબાર વેચી નાંખવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. આ કેસમાં ગીરીશભાઈની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.