મૃત જાહેર કરાયેલો યુવક ૫ મહિના બાદ ગામમાં આવ્યો
પાલનપુર: અરવલ્લી જિલ્લાના ખરપાડા ગામમાં એક અજીબોગરીબ ઘટના બની છે. જ્યાં ફેબ્રુઆરી મહિનામાં એક યુવકનું મૃત્યુ થયું હોવાનું સમજીને તેના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા. પરંતુ મજૂરી કામ કરતો ઈશ્વર મનાત નામનો તે જ યુવક જ્યારે હાલમાં ઘરે પરત ફરતો દેખાયો ત્યારે ગામના લોકો પોતાની આંખ પર વિશ્વાસ કરી શક્યા નહીં. માનત જીવતો હતો અને જ્યારે ગામના લોકોએ તેને જણાવ્યું કે, તેની લાશ હોવાનું માનીને તેમણે અંતિમ સંસ્કાર કરી દીધા હતા તો તે પણ અચંબો પામી ગયો હતો. રસપ્રદ રીતે, પોલીસે મનાતની હત્યાના આરોપમાં તેના બંને ભાઈઓની ધરપકડ પણ કરી હતી.
પરંતુ બાદમાં મનાત ઘરે પાછો આવતાં આટલી મોટી ભૂલને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને ગાંધીનગર આઈજી અભય ચુડાસમાએ મંગળવારે ઈસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આરઆર તબિયાડને સસ્પેન્ડ કર્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, યુવકની લાશ ફેબ્રુઆરીમાં અરવલ્લીના મોટી મોરી ગામમાંથી ચાદરમાં વીંટળાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરી હતી, અને સ્થાનિકોની પુષ્ટિ તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તપાસ અધિકારીઓએ લાશ મનાતની હોવાનું જાહેર કર્યું હતું. મળી આવેલી લાશના પગમાં સળીયો હતો અને મનાતના પગમાં પણ આવો જ સળીયો હોવાથી તેના આધારે પોલીસે ર્નિણય લીધો હતો. થોડા દિવસ બાદ પોલીસે મનાતના બે ભાઈની ધરપકડ કરી હતી, કે જેમણે કથિત રીતે હત્યાની વાત કબૂલી હતી.