મેં ગાડી પાર્ક જ કરી નથી, તો પાર્કિંગ ચાર્જ કેમ આપું
પ્રહલાદ મોદીનો અમદાવાદ એરપોર્ટ પર હોબાળો-મોદીએ એરપોર્ટ પર અધિકારીઓને ખખડાવ્યા હતા કે, મારી ગાડી થોડી વાર પણ રોકાઈ નથી, તો કેવો પાર્કિંગ ચાર્જ
અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ જ્યારથી અદાણી ગ્રૂપના તાબામાં આવ્યું છે, ત્યારથી વિવાદો સતત વધી રહ્યાં છે. કંપની દ્વારા એરપોર્ટ પર વિવિધ ચાર્જના નામે રૂપિયા વસૂલવામાં આવે છે તેવા આરોપો સતત વધી રહ્યાં છે. આવામાં પાર્કિગ ચાર્જના નામે એરપોર્ટ પર વધુ એક વિવાદ થયો છે.
ત્યારે પ્રહલાદ મોદી એ પાર્કિંગ ચાર્જ બાબતે હોબાળો મચાવતા આરોપ મૂક્યો કે, મેં કાર પાર્ક કરી ન હતી, છતા મારી પાસેથી પાર્કિંગ ચાર્જના રૂપિયા માંગવામાં આવ્યા હતા. પ્રહલાદ મોદી હરિદ્વારથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમને પાર્કિંગ ચાર્જ મુદ્દે કડવો અનુભવ થયો હતો.
પ્રહલાદ મોદીએ આ વિવાદ અંગે કહ્યું કે, હું કારને હંમેશાં રોડ પર ઊભી રખાવીને ટર્મિનલમાં આવું ત્યારે ડ્રાઈવરને ફોન કરીને કાર મગાવું છું અને તરત જ બેસીને બહાર નીકળી જાઉં છું. ગઈકાલે પણ હરિદ્વારથી આવ્યા બાદ હું ટર્મિનલમાંથી બહાર નીકળ્યો ત્યારે કાર મગાવી, કારમાં બેસીને બહાર નીકળતો હતો
ત્યારે પાર્કિંગ ટોલ બૂથ પર અદાણીના માણસોએ પાર્કિંગ ચાર્જ પેટે તેમની પાસે ૯૦ રૂપિયા માગ્યા હતા. જાેકે, આ મુદ્દે એરપોર્ટના પાર્કિંગમાં ભારે વિવાદ થયો હતો. પ્રહલાદ મોદીની કાર રોકી રાખવામાં આવી હતી. ત્યારે તેમણે એરપોર્ટ પર અધિકારીઓને ખખડાવ્યા હતા કે, મારી ગાડી થોડી વાર પણ રોકાઈ નથી, તો કેવો પાર્કિંગ ચાર્જ. હું ટેક્સ ભરુ છું, તો કેમ પાર્કિંગ ચાર્જ ભરુ. જાેકે, આ મુદ્દે હોબાળા બાદ પ્રહલાદ મોદીને પાર્કિંગ ચાર્જ લીધા વગર જવા દેવાયા હતા.