મેં સચિનને ખોટો આઉટ આપ્યો હતોઃ ૧૭ વર્ષે બકનરે ભૂલ કબૂલી
વર્ષ ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયામાં અને ૨૦૦૫માં ભારતમાં સચિન તેંડુલકરને ખોટો આઉટ આપ્યો હોવાની કબૂલાત
બ્રિજટાઉન, વેસ્ટ ઇન્ડિઝના લોકપ્રિય અમ્પાયર સ્ટિવ બકનરે ૧૭ વર્ષ બાદ કબૂલ્યું છે કે તેમણે સચિનને બે વાર ખોટો આઉટ આપ્યો હતો અને તે વખતે સચિન રેકોર્ડ ચૂકી ગયો હતો.
બકનર ૧૧ વર્ષ અગાઉ નિવૃત્ત થઈ ચૂકયા હતા. હવે તેમણે બાર્બાડોઝ રેડિયો પર એક મુલાકાતમાં આ ખુલાસો કર્યો હતો. તેમણે કબૂલ્યું હતું કે બે અલગ અલગ મેચમાં તેમણે સચિનને ખોટી રીતે આઉટ જાહેર કરીને પેવેલિયનમાં મોકલી દીધો હતો. મને નથી લાગતું કે કોઈ અમ્પાયર ખોટુ કામ કરે. તેની સાથે આમ બની જાય છે. તેની ભૂલથી તેનું પોતાનું ભવિષ્ય પણ જોખમમાં મુકાઈ જતું હોય છે.
સ્ટિવ બકનરે જણાવ્યું કે ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયામાં મેં તેને ખોટી રીતે લેગબિફોર આપ્યો હતો. ૨૦૦૫માં ભારતમાં મેં તેને ખોટી રીતે આઉટ આપ્યો હતો. જ્યારે તે કોટબિહાઇન્ડ હતો. બોલ તેના બેટ પાસેથી નીકળ્યો હતો પરંતુ તેના બેટને સ્પર્શ કર્યો ન હતો. જોકે આ મેચ ઇડન ગાર્ડન્સમાં રમાઈ હતી. કોલકાતાનું આ ગ્રાઉન્ડ એવું છે જ્યાં ભારત બેટિંગ કરતું હોય તો તમને કાંઈ સંભળાતું નથી. એક લાખ પ્રેક્ષકોનો અવાજ સંભળાતો હોય છે.
આ બંને મારી ભૂલ હતી જે હું સ્વિકારું છું કેમ કે માનવી ભૂલો કરે છે પરંતુ તેને સ્વિકાર કરવો જ જીવન છે. સચિન એ વખતે પાકિસ્તાન સામે ટેસ્ટ રમી રહ્યો હતો અને ૫૨ રનના સ્કોરે રમી રહ્યો હતો. આ વખતે તે સદી પૂરી કરે તેવી આશા હતી કેમ કે તે અગાઉ તેણે ૩૪ સદી ફટકારી હતી. આમ તે ૩૫મી સદી નોંધાવીને એ વખતનો સૌથી વધુ સદી (૩૪)નો સુનીલ ગાવસ્કરનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે તેમ હતો. જોકે બકનરની ભૂલને કારણે તે રેકોર્ડથી વંચિત રહ્યો હતો.