Western Times News

Gujarati News

“મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઇ જાય” તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈ પર લઈ જવા માટે  રાજય સરકારે હકારાત્મક પ્રયાસો કરી અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના પરિણામે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે.

રાજયમાં સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલીસી વર્ષ ૨૦૧૫માં કાર્યાન્વિત કરી હતી. આ નીતિને મળેલ અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ,  પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી “ગુજરાત સોલર પાવર પોલીસી ૨૦૨૧” ને અમલમાં મૂકવા જઈ રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ નવી સોલાર પોલિસીના પરિણામે રાજ્યમાં સૌર ઊર્જાનો વપરાશ-ઉત્પાદન વધવાથી ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય અને ‘મેઇડ ઇન ગુજરાત’ બ્રાન્ડ દુનિયામાં છવાઇ જાય તેવી આપણી નેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની આ નવી પોલિસીની જાહેરાત ઊર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નવી પોલિસીનો અભિગમ વધુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, સૌર ઊર્જા-સોલાર એનર્જીના પરિણામે પરંપરાગત ઊર્જા સ્ત્રોત એવા કોલસા આધારિત વીજ ઉત્પાદન ઘટશે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી – ગ્રીન કલીન એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યુ કે, ગુજરાત મોડલ સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે પણ મહત્વનું પુરવાર થઈ રહ્યું છે.

આ જ અભિગમને રાજય સરકારે આગળ વધારીને ગ્રીન એન્ડ કલીન એનર્જીના નિર્માણ થકી ગુજરાત રાજયને ગ્રીન એનર્જી હબ બનાવવા માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેના પરિણામ સ્વરૂપ આ નવી ગુજરાત સોલાર પોલીસી-૨૦૨૧ ની જાહેરાત કરવામાં આવી છે જે આવનાર સમયમાં રિન્યુએબલ ઉર્જામાં દેશને નવો રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યુ કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અનેકવિધ પ્રયાસો  કરી રહી છે ત્યારે આ નવી પોલીસીમાં પણ રાજ્ય સરકારે ઘણા પ્રોત્સાહનો આપ્યા છે

જેના થકી રાજ્યમાં સ્વચ્છ અને પ્રદૂષણરહિત રિન્યુએબલ એનર્જીના વિકાસના તેજસ્વી ભવિષ્યને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવામાં પ્રેરક બળ પૂરૂ પાડશે. એટલું જ નહિ, લઘુ-મધ્યમ અને મોટા ઉદ્યોગો સોલાર એનર્જી વપરાશ માટે પ્રોત્સાહિત થવાથી તેમની પ્રોડકશન કોસ્ટ ઘટશે.

ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવેલ આ નવી પોલીસી પ્રદુષણરહિત રીન્યુએબલ એનર્જીના વિકાસમાં  પ્રેરકબળ પૂરુ પાડશે. તેમણે ઉમેર્યુ હતુ કે, આ પોલીસી ગુજરાતને એનર્જી હબ બનાવવાની દિશામાં આગળ લઇ જશે. દેશના ઇતિહાસમાં ઉર્જા ક્ષેત્રે લોકોને જોડવા માટે ગુજરાતે ઉત્તમ તક પુરી પાડી છે.

આ પોલિસીના માધ્યમ દ્વારા ઘર વપરાશના ગ્રાહકો / ખેડૂતો / કોમર્શીયલ ગ્રાહકો / નાના મોટા ઉદ્યોગ ગૃહો / ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત જે કોઇ વ્યક્તિને વીજ ઉત્પાદન કરવું હશે તે કરી શકશે અને પોતાના વપરાશ બાદની વીજળી તે વેચી પણ શકશે.

મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન એનર્જી ક્ષ્રેત્રે ગુજરાતે કરેલી કામગીરીની વિગતો આપતાં કહ્યુ કે, ગુજરાતે ૧૧ હજાર મેગાવોટ ક્ષમતાની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે અને ૨૦૨૨ સુધીમાં ૩૦ હજાર મેગા વોટ ગ્રીન એનર્જીના ઉત્પાદનનું લક્ષ્ય છે. જેમાં વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં રાજયમાં સોલાર રૂફટોપ યોજના અમલી બનાવી ૮૦૦ મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરી રહેલ છે તેમજ રાજ્ય સોલાર રૂફટોપ યોજનામાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

દેશમાં સૌ પ્રથમ સોલાર પોલિસીની સાથે સાથે “સૂર્ય ગુજરાત યોજના” પણ શરૂ કરી છે. પાટણ જિલ્લામાં ચારણકા સોલાર પાર્કની ક્ષમતા વધારવાની સાથે સાથે ધોલેરામાં પણ ૧૦૦૦ મેગાવોટનો સોલાર પાર્ક તથા ૭૦૦ મેગાવોટના રાધાનેસડા સોલાર પાર્ક નિર્માણાધિન છે. આ રીતે ગુજરાતે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ અનોખું સ્થાન બનાવ્યું છે.

તેમણે ઉમેર્યુ કે, રીન્યુએબલ એનર્જી માટે ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઇ રહેલ વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીએ કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ખાતમૂહુર્ત પણ કર્યુ છે. આ હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપશે.

તેમણે કહ્યું કે,  ૩૦ ગીગાવોટનો આ પાવર પ્લાન્ટ શરૂ થવાથી ૬૦,૦૦૦ મિલિયન યુનિટથી વધુ ક્લીન અને ગ્રીન ઊર્જા ઉત્પન્ન થશે. જેનાથી કાર્બનના ઉત્સર્જનમાં ૬૦ મીલીયન ટન જેટલો ઘટાડો થશે. એટલું જ નહી ૪૦ મિલીયન ટન કોલસાની પણ બચત  થશે અને વાર્ષિક ૨૫ હજાર લોકોને રોજગારી મળશે.

ગુજરાતની સાથોસાથ અન્ય રાજ્યોને પણ ઊર્જા પૂરી પડાશે તથા અન્ય રાજ્યોને પણ ઊર્જા ની સાથે સાથે અન્ય ઉદ્યોગ ગૃહોને રોજગારી માટે મદદ પણ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.