મેઘરજમાં બે ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા
(પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં ગુરૂવારની રાત્રીથી શરૂ થયેલ વરસાદમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા નગરના માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.જેમાં મોર્ડન સ્કુલ તરફ જતા માર્ગ ઉપર ઢીંચણસમા પાણી ભરાતા વિદ્યાર્થીઓને અને સોસાયટીઓના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
મેઘરજ નગરમાં ૨૪ કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ થતા પંચાયત ધ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા પંચાયતની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખુલી જવા પામી છે જેમાં મેઘરજના આંબાવાડી અને ડબગરવાસ તરફ જતા માર્ગો પર ઢીંચણસમા પાણી ભરાયા છે જેમાં ડબગયવાસ તરફ જતા માર્ગ ઉપર કરોડોના ખર્ચે અત્યાધુનિક નવિન મોર્ડન સ્કુલ,અંબિકા સોસાયટી,જલધારા સોસાયટી,ડબગર વાસ,ઝુપડપટ્ઠી વિસ્તાર તેમજ અન્ય છુટા છવાયા અનેક મકાનો આવેલા છે જેથી શાળાના વિદ્યાર્થીઓને આવવા જવાના માર્ગ ઉપર ઢીંચણસમા પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને રહીશો ભયના ઓથાર હેઠળ પાણીમાં થઈ શાળાએ આવવા જવા મજબુર બન્યા છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ માર્ગ ઉપર ભરાયેલ પાણીથી શાળાએ જવાનુ પણ મોડીવાળ્યુ છે તેમજ આ વિસ્તારના રહીશો પણ કાચા માર્ગ પર ગંદકીના સામ્રાજ્ય થી અને ભરાયેલ વરસાદી પાણીથી ત્રસ્ત બન્યા છે ત્યારે સોસાયટીના રહીશો પણ મેઘરજ ગામ પંચાયતને વારંવાર રજુઆત કરી ચુક્યા છે તેમજ મોર્ડન સ્કુલના સંત્તાધીશો ધ્વારા માર્ગ નવો બનાવવા કલેક્ટર કક્ષા સુધી પણ રજુઆત કરવામાં આવી હોવા છતા માર્ગની સમસ્યાનુ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ અને પ્રજા પાણી ભરાતા માર્ગથી અને ગંદકીથી ત્રાહીમામ પોકારી ઊઠી છે.
સ્થાનિકો શુ કહે છેઃમાર્ગ પર ભરાયેલા પાણી અંગે સોસાયટીના રહીશ દીપકભાઈ દેવડાએ જણાવ્યુ હતુ કે મોર્ડન સ્કુલ અને ડબગરવાસ તરફ જતા માર્ગ પર અનેક સોસાયટીઓ આવેલ છે.આ માર્ગ નવો બનાવવા અમોએ વારંવાર પંચાયતને રજુઆત કરી છે અને માર્ગ બનાવવા સીવીલ કોર્ટ અને સેશન્સ કોર્ટે પણ હુકમ કર્યો છે જે જજમેન્ટ અમોએ મેઘરજ ગામ પંચાયતને પણ આપ્યો છે અને પાણી ભરાતા આ માર્ગ ઊપર નવિન પાકો માર્ગ બનાવવા વારંવાર માગણી કરી ચુક્યા છીએ પરંતુ મેઘરજ ગામ પંચાયતને નથી શાળાના વિદ્યાર્થીઓની પડી કે નથી રહીશોની ત્યારે પંચાયત ધ્વારા તાકીદે મોર્ડન સ્કુલ તરફ જતો માર્ગ પાકો બનાવવામાં આવે તેવી અમારી માંગ છે.*