મેઘરજમાં યુવકને કોરોના થયો હોવાનું બહાર આવતા ફરાર

આરોગ્ય અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ
(જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી) ભિલોડા, અરવલ્લી જીલ્લામાં કોરોનાનો કેર યથાવત જોવા મળી રહ્યો છે એક જ દિવસમાં ૨૫ લોકો કોરોનાથી સંક્રમિત બનતા જીલ્લાના લોકોમાં કોરોનાનો ખોફ જોવા મળી રહ્યો છે મોડાસા શહેરમાં પાંચ, મોડાસા તાલુકામાં નવ ,ભિલોડામાં આઠ, મેઘરજ અને ધનસુરા તાલુકામાં એક-એક કેસ નોંધાયો છે
જેમાં મેઘરજ નગરમાં રહેતો ગણપતભાઈ સવજીભાઈ વણજારા નામનો ૪૦ વર્ષીય યુવક કોરોનામાં સપડાતા કોરોનાના ભય થી ઘરેથી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી આરોગ્ય તંત્ર યુવકના ઘરે પહોંચતા યુવક ફરાર હોવાની જાણ થયા આરોગ્ય અને પોલીસતંત્રમાં દોડધામ મચી છે કોરોનાગ્રસ્ત યુવક ફરાર થતા મેઘરજ અને આજુબાજુના પંથકમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ઘરેથી ફરાર કોરોનાગ્રસ્ત યુવકથી અન્ય લોકોને સંક્રમણ થવાની શક્યતાઓ પેદા થઇ છે.
રાજ્યમાં લોકડાઉન-૧ માં સૌથી સલામત ગણાતા અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનના બીજા તબક્કામાં કોરોનાનો પગપેસારો થયા પછી કોરોનાનો વિસ્ફોટ થતા ગણતરીના દિવસોમાં ૪૭ લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે આરોગ્ય તંત્રની સબ સલામતની ગુલબાંગો વચ્ચે લોકો ભગવાન ભરોશે જીવી રહ્યા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે જીલ્લામાં ૪૦૦ થી વધુ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ નોંધાતા ટૂંકા દિવસોમાં અરાવલ્લીમાં કોરોના સદી વટાવે તો નવાઈ નહિ હાલ તો જીલ્લાના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા ૨૫ દર્દીઓમાંથી સેમ્પલિંગ બાદ ઘરે રહેલા કોરોના પોઝેટીવ દર્દીઓને કોવીડ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરીમાં આરોગ્ય તંત્ર જોતરાયું છે.
લીંભોઇ ગામે કોરોના પોઝેટીવ દર્દીને લેવા એમ્બ્યુલન્સ પહોંચતા ગામના લોકોએ યુવકની હિંમત વધારી
અરવલ્લીમાં એક સાથે ૨૫ કેસ કોરોનાના નોંધાતા તંત્ર ઉંધા માથે પછડાયું છે મોડાસાના લીંભોઇ ગામનો જતીન વાળંદનો કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ આવતા બુધવારે રાત્રે યુવકને લેવા આરોગ્યની ટિમ એમ્બ્યુલન્સ સાથે પહોંચતા ગામના સરપંચ હિતેન્દ્ર જોશી સહીત લોકોએ ઉપસ્થિત રહી દૂરથી યુવકની હિમ્મત વધારી હતી અને ઝડપથી કોરોનાને મ્હાત આપવા શુભેચ્છા પાઠવી હતી.