મેઘરાજા રિસાયા, અમદાવાદમાં હજુ ૬૧ ટકા વરસાદની ઘટ
અમદાવાદ, રવિવારના રોજ અમદાવાદ શહેરમાં માત્ર નામમાત્રનો વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા અમદાવાદીઓ મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે કે આગામી સપ્તાહમાં શહેરમાં મન મૂકીને વરસે, જેથી અમદાવાદીઓને ગરમીથી રાહત મળે. પરંતુ મેટ વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે, આગામી પાંચ દિવસમાં શહેરમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ ઘણી ઓછી છે.
વાર્ષિક સરેરાશ ૭૯૫mm વરસાદની સરખામણીમાં અત્યાર સુધી અમદાવાદ શહેરમાં માત્ર ૩૧૦mm વરસાદ જ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં ૬૧ ટકા વરસાદ ઓછો વરસ્યો છે. જાે ગુજરાત રાજ્યની વાત કરીએ તો, સમગ્ર રાજ્યમાં ૫૯ ટકા વરસાદ ઓછો વરસ્યો છે. રાજ્યમાં વાર્ષિક ૮૪૦mmની સરખામણીમાં અત્યાર સુધી ૩૪૮mm જ વરસદા વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધારે વરસાદ દક્ષિણ વિસ્તારોમાં નોંધાયો છે.
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ૬૮%, સૌરાષ્ટ્રમાં ૬૩%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૨% તેમજ દક્ષિણ ગુજરાતમાં ૪૯% ઓછો વરસાદ નોંધાયો છે. આઈએમડીની આગાહી અનુસાર આગામી ચાર દિવસમાં રાજ્યમાં હળવો કે સમાન્ય વરસાદ આવી શકે છે. નોંધનીય છે કે સુરતના ચોર્યાસીમાં રાતના ૧૦ વાગ્યા સુધી ૫૩mm વરસાદ નોંધાયો હતો, જ્યારે નર્મદાના સાગબારામાં ૩૮mm અને સુરતના ઓલપાડમાં ૩૭mm, ડેડિયાપાડામાં ૨૮mm તેમજ અમરેલીના વાડિયામાં ૨૨mm વરસાદ નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે આ સીઝનમાં અમદાવાદમાં ઘણો ઓછો વરસાદ પડ્યો છે. અમદાવાદીઓ કાગડોળે વરસાદની રાહ જાેઈ રહ્યા છે, પરંતુ મન મૂકીને વરસાદ વરસતો નથી. ઘણીવાર માત્ર છાંટા પડીને બંધ થઈ જાય છે. વરસાદી વાતાવરણ હોય છે તેમ છતાં વરસાદ ન વરસતો હોવાને કારણે ઉકળાટ પણ વધી જાય છે. હવે આગામી સમયમાં મેઘરાજા અમદાવાદ પર મહેરબાન થાય છે કે કેમ તે જાેવાનું રહ્યું.SSS