મેઘાણીનગરમાંથી મોટી માત્રામાં હથિયારો સાથે વિશાલ ગોસ્વામી ગેંગના ચાર ઝડપાયા
ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાત રાજ્યમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલો કેસ આ કાયદા હેઠળ નોંધવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીના ચાર સાગરીતોને હથિયારો સાથે ઝડપી લઈને આ કાયદા હેઠળ કાર્યવાહી ધરી છે. ગઈકાલે મોડી રાતે ક્રાઈમ બ્રાંચને આ અંગેની બાતમી મળી હતી. વિશાળ ગોસ્વામીની ગેંગ દ્વારા અવારનવાર મોટા વેપારીઓની ધમકીઓ આવી ખડણી માંગવામાં આવતી હતી.
શહેર ક્રાઈમ બ્રાંચને મેઘાણીનગરમાં કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીના કેટલાંક સાગરીતો મોટી માત્રામાં હથિયારો સાથે હોવાની બાતમી મળી હતી. જેના પગલે ક્રાઈમ બ્રાંચની ચુનંદા જવાનોની ટીમ બનાવીને મધરાતે મેઘાણીનગર ખાતે માહિતી મુજબના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં સાવધાનીપૂર્વક આગળ વધ્યા બાદ ક્રાઈમ બ્રાંચે ગોસ્વામીની ગેંગના ચારેય મેમ્બરોને ઝડપી લીધા હતા. ચારેયની અટક કરીને સ્થળ ઉપર તપાસ કરતાં મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવતા ક્રાઈમબ્રાંચની ટીમ પણ ચોંકી ઉઠી હતી. અને ગણતરીના કલાકોમાં જ સ્થળ પરથી હથિયારો સહિત અન્ય શંકાસ્પદ મુદ્દામાલ લઈને ત્યાંથી તાબડતોબ જમાલપુર ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઈમ બ્રાંચની ઓફિસે આવવા રવાના થયા હતા.
મોટા પ્રમાણમાં હથિયારો મળી આવતા ચારેય શખ્સો વિરૂધ્ધ ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર આ ચારેયમાં વિશાલ ગોસ્વામીનો ભાઈ પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
બીજી તરફ તાજેતરમાં જ અમદાવાદના ઓઢવમાં તથા વાપીમાં પણ જ્વેલર્સ સાથે લૂટના મોટા બનાવ બન્યા હતા. એમાં આ વિશાલ ગોસ્વામી ગેંગની સડોવણી છે કે કેમ? એ દિશામાં પણ તપાસ પૂરજાશમાં ચાલી રહી છે. નોંધનીય છ કે વિશાલ ગોસ્વામી દ્વારા અવારનવાર શહેરના મોટા વેપારીઓને ફોન કરીને ખંડણી માંગવામાં આવી રહી છે. જેથી વેપારીઓમાં પણ ભય સાથે રોષ ફેલાયેલો છે.