Western Times News

Gujarati News

મેઘાણીનગરમાં કુરીયર બોયને માર મારી રૂા.૧.૭૮ કરોડના ઘરેણાંની લુંટ

પ્રતિકાત્મક

ત્રણ શખ્સોએ અંધારાનો લાભ લઈ કુરીયર કંપનીના બે માણસો પર હુમલો કર્યો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વર્ષની છેલ્લી રાત્રિએ જ બે વ્યક્તિઓ ઉપર હુમલો કરીને લુંટની મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કુરીયર કંપનીના માલિક અને અન્ય એક વ્યક્તિ સોનાના ઘરેણાંના કુલ ર૭ પાર્સલો ભરેલો થેલો લઈને એરકાર્ગો તરફ જઈ રહયા હતા ત્યારે અંધારાનો લાભ લઈ ત્રણ લુંટારુઓએ રૂપિયા ૧.૭૮ કરોડથી વધુના દાગીના ભરેલો થેલો લુંટી લીધો હતો. આ ઘટનાને પગલે મેઘાણીનગર પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લુંટનું પગેરુ મેળવવા પ્રયત્નો શરૂ કરી દીધા છે. ૧.૭૮ કરોડથી વધુની લુંટ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ દોડતાં થઈ ગયા છે.

આ ઘટનાની વિગત એવી છે કે મુળ રાજસ્થાનના સિકરના વતની વિદ્યાધર બજરંગલાલ શર્મા (૩પ) હાલમાં રેમ્બો ફલેટ, સીંધી કોલોની સરદારનગર ખાતે રહે છે અને તેમના જ વતનના અને હાલમાં રાજકોટ સોની બજાર ખાતે આવેલા કેશવ વિલા ફલેટમાં રહેતા સુરેશભાઈ જયકિશન ચૌધરી સાથે ભાગીદારીમાં બે કુરીયર કંપની ચલાવે છે જેમાંથી જય માતાજી એર નામની કંપની સુરેશભાઈ રાજકોટ ખાતે સંભાળે છે જયારે જય માતાજી લોજીસ્ટીક નામની કંપની વિદ્યાધરભાઈ પોતે અમદાવાદથી સંભાળે છે તે સોની બજારમાંથી આવેલા દાગીનાનાં પાર્સલો અમદાવાદ એર કાર્ગો ખાતે લાવી સમગ્ર દેશમાં મોકલે છે.

બુધવારે રાત્રે રાજકોટથી સુરેશભાઈએ સાથે કામ કરતાં શ્યામસુંદર ૯ પાર્સલો તથા બાજુની કંપનીમાં કામ કરતાં જગદીશપ્રસાદ ચૌધરી ૧૩ પાર્સલો લઈ અમદાવાદ ખાતે આવ્યા હતા બાદમાં બંને વિદ્યાધરભાઈના ઘરે પહોંચ્યા હતા દરમિયાન વહેલી સવારે ફલાઈટ નીકળવાની હોઈ વિદ્યાધરભાઈ પોતાની પાસે રહેલા પ, રાજકોટથી આવેલા ૯ તથા જગદીશભાઈના ૧૩ મળીને કુલ એક કરોડ ૭૮ લાખ ૧૯ હજાર રૂપિયાની કિંમતના સોનાના ઘરેણાંના ર૭ પાર્સલો લઈને રાત્રે ૩ વાગે જગદીશભાઈ સાથે પાર્સલો કુરીયર કરવા એરપોર્ટ જવા રવાના થયા હતા.

આશરે સાડા ત્રણ વાગ્યાના સુમારે બંને મોટરસાયકલ ઉપર એરફોર્સના ગેટથી ૧૦૦ મીટર દુર હતાં ત્યારે વળાંક આવતાં જ અંધારામાંથી અચાનક મોંએ રૂમાલ બાંધેલા ત્રણ લુંટારા ડંડા લઈને ધસી આવ્ય્‌ હતા જેમાંથી એકે ચાલક વિદ્યાધરભાઈના હેલ્મેટ પર ડંડો મારતાં બાઈકનું બેલેન્સ ગુમાવીને બંને પડ્યા હતા. પરંતુ તે કંઈ સમજે એ પહેલાં જ ત્રણે હુમલાખોરોએ આ બંને ઉપર ડંડા વડે હુમલો કરી વારંવાર માર મારતાં બંને અર્ધબેભાન થઈ ગયા હતા જયારે બે શખ્સો જગદીશભાઈના હાથમાં રહેલો થેલો ઝુંટવી રહયા હતા. આશરે બે મિનિટ સુધી હુમલાખોરો સાથે ઝપાઝપી બાદ રૂપિયા ૧.૭૮ કરોડથી વધુના દાગીના ભરેલો થેલો લુંટી લુંટારૂઓ અંધારામાં એરકાર્ગો તરફ ભાગી છુટયા હતા.

થોડીવાર બાદ વિદ્યાઘરભાઈએ ફોન કરીને પાર્ટનર સુરેશભાઈને લુંટની ઘટનાની જાણ કરી હતી જેમણે તુરંત એરકાર્ગો કંપનીને ફોન કરતાં કંપનીની એક ગાડી તાત્કાલીક ત્યાં પહોચી જઈને બંને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પીટલ લઈ ગઈ હતી.
લુંટની મોટી ઘટનાની જાણ થતાં મેઘાણીનગર પોલીસ સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આસપાસના સીસીટીવી કેમેરાના કુટેજ મેળવી લુંટારાઓની ભાળ મેળવવા પ્રયત્નો આદર્યા છે. બીજી તરફ બંને ઈજાગ્રસ્ત વિદ્યાઘરભાઈ તથા જગદીશભાઈ પાસેથી પણ માહીતી મેળવી હતી અને તાત્કાલીક નાકાબંધી કરીને તમામ પોલીસને એલર્ટ કરી દેવાઈ છે.

જયારે ૩૧મી ડિસેમ્બરે શહેરમાં કફર્યુ ઉપરાંત પોલીસનુ હાઈએલર્ટ હોવા છતાં મોટી લુંટની ઘટના બનતાં ફરી એક વખત પોલીસની બેદકારી સામે આવી છે. આ ઘટનાને પગલે ફરી પોલીસની કામગીરી સામે શંકાનો વ્યકત થવા લાગી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.