મેઘાણીનગરમાં ૧.૭૮ કરોડનાં દાગીનાની લૂંટ, ૩ શખ્સો ફરાર
અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ માટે ૩૧મી ડિસેમ્બર એટલે કે વર્ષ ૨૦૨૦ નો અંતિમ દિવસ તણાવ ભર્યો રહ્યો હતો. રામોલમાં ફાયરિંગ કરી એકની હત્યા નિપજાવવામાં આવી ત્યાં એલિસબ્રિજના ભુદરપુરામાં પથ્થર મારો થયો હતો.
ત્યાં આગલા દિવસે એટલે કે ૩૦મીની રાત્રે મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે ત્રણેક લોકોએ બે લોકોને ઢોર માર મારી ૧.૭૮ કરોડના પાર્સલ લૂંટી લીધા હતા. શહેરના સરદાર નગરમાં રહેતા વિદ્યાધર શર્મા મૂળ રાજસ્થાનના વતની છે. તેઓ સુરેશકુમાર ચૌધરી સાથે મળી છેલ્લા બે વર્ષથી જય માતાજી લોજીસ્ટિક અને જય માતાજી એર એમ બે અલગ અલગ કુરિયર કંપની ધરાવી વેપાર કરે છે.
તેમની આ કંપની સોના-ચાંદીના વેપારીઓના પાર્સલ લાવવા-લઈ જવાનું કામ કરે છે. તેમની રાજકોટ વાળી કંપનીના બે પાર્સલો આવે તે અને અમદાવાદની કંપનીના બે પાર્સલો આવે તે ભેગા કરી એરકાર્ગો ખાતે તેઓ લાવે છે અને જે તે જગ્યાએ પાર્સલો મોકલવાના હોય છે. તેઓ આ તમામ પાર્સલો આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલતા હોય છે . ગત ૩૦મીએ અમુક લાખો રૂપિયાના પાર્સલ લઈ તેમનો એક માણસ આવ્યો હતો.
આ પાર્સલ તેઓને દિલ્હી મોકલવાના હોવાથી અડધી રાત્રે તેઓ કાર્ગો તરફ જતા હતા. ત્યારે કાર્ગો ગેટ થી થોડે જ દૂર કેટલાક લોકો બાઇક પર આવ્યા અને વિદ્યાધર ભાઈ સાથે અન્ય એક વ્યક્તિને દંડા વડે માર માર્યો હતો અને પાર્સલ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા.
ત્યારે ત્યાં કાર્ગોની એક કાર આવતા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા. લૂંટ કરનાર બાઇક લઈને એર કાર્ગો તરફ અંદરના ભાગે ભાગી ગયા હતા. એક પાર્સલમાં ૩૪ લાખના દાગીના હતા જ્યારે અન્ય બેગમાં ૯ અને સાતેક પાર્સલ હતા. આમ કુલ ૧.૭૮ કરોડના દાગીનાના પાર્સલ ત્રણેક શખ્શો લૂંટી જતા આ મામલે મેઘાણી નગર પોલીસે તપાસ શરૂ કરી છે.