મેઘાલયમાં ૧૦ કરોડ વર્ષ પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકા મળ્યા

Files Photo
મિઝોરમ: મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લા નજીકના વિસ્તારમાંથી લગભગ ૧૦ કરોડ વર્ષો પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકાંના અવશેષો મળી આવ્યા છે. સંશોધનકારોનું આ નિષ્કર્ષ હજી પ્રકાશિત થયું નથી. ભારતીય ભૂવેજ્ઞાનિક સર્વેક્ષણના સંશોધકોએ તેમની તાજેતરની સાઇટની મુલાકાત પછી આ તારણ કાઢ્યું હતું.
જીએસઆઇ સંશોધનકારોએ નોંધ્યું છે કે આ પ્રથમ વખત છે કે સંભવતઃ ટાઇટેનોસોરિયાઇ મૂળના સોરોપોડના અવશેષો મળી આવ્યા છે. સોરોપોડની લાંબી ગરદન, લાંબી પૂંછડી, બાકીના શરીર કરતાં માથું ટૂંકુ, ચાર જાડા અને થાંભલા જેવા પગ હોય છે.
તેમણે કહ્યું કે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ પછી મેઘાલય ભારતનું પાંચમું રાજ્ય છે અને પહેલો પૂર્વોત્તર રાજ્ય છે જ્યાં ટાઇટેનોસોરિયાઇ મૂળના સોરોપોડ્સના હાડકાં મળી આવ્યા છે. જીએસઆઈના પેલેઓનોલોજી વિભાગના વરિષ્ઠ ભૂવેજ્ઞાનિક અરિંદમ રાયે જણાવ્યું હતું કે મેઘાલયમાં જીએસઆઈને ૨૦૦૧ માં ડાયનાસોરના હાડકાં પણ મળી આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમની વર્ગીકરણ ઓળખ શક્ય નહોતી.
તેમણે કહ્યું કે આ વખતે ઓળખાતા હાડકાં ૨૦૧૯-૨૦૨૦ અને ૨૦૨૦-૨૧માં મળી આવ્યા હતા, જે આશરે ૧૦ કરોડ વર્ષ જૂના હોવાનો અંદાજ છે. જાે કે, તેમણે એમ પણ કહ્યું હતું કે આ તારણો પ્રારંભિક અભ્યાસ પરથી લેવામાં આવ્યા છે, હાલમાં તેની વિગતવાર કામગીરી ચાલી રહી છે.