“મેટ”માં વેન્ટીલેટર ખરીદી મુદ્દે ભાજપના આક્ષેપ બુમરેંગ સાબિત થયા
એસવીપી હોસ્પિટલ બનાવવા માટે પણ સ્ટેન્ડીંગની મંજુરી લેવામાં આવી નથી
કોરોના મહામારીમાં દવા-સાધનો ખરીદીની તમામ સત્તા ભાજપ એ જ કમિશ્નરને આપી છે
ભાજપ કોર્પોરેટરના અધુરા અભ્યાસના કારણે ચેરમેન વિવાદમાં ફસાયા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં ભાજપના કોર્પોરેટર દ્વારા વેન્ટીલેટર ખરીદી અંગે કરવામાં આવેલા આક્ષેપ બુમરેંગ સાબિત થયા છે તેમજ કમિશ્નરના જવાબ બાદ ભાજપના હોદ્દેદારો જ શંકાના દાયરામાં આવી ગયા છે. ભાજપના કોર્પોરેટરે પુર્ણ અભ્યાસ વિના અથવા અન્ય કોઈના ઈશારે આ પ્રકારના આક્ષેપ કર્યા હોવાની ચર્ચાએ જાેર પકડયું છે. ચોંકાવનારી બાબત એ છે કે એસ.વી.પી. હોસ્પીટલ નિર્માણ માટે પણ સ્ટેન્ડીંગ કમીટીની મંજુરી લેવામાં આવી ન હતી. મ્યુનિ. કોર્પોરેશનમાં નેતા વિનાના વિપક્ષ કોંગ્રેસે પણ વેન્ટીલેટર ખરીદી મામલે આવેદનપત્ર આપી રાજકીય માઈલેજ લેવા પ્રયાસ કર્યા છે. જયારે શહેર મેયરે વેન્ટીલેટર ખરીદીને “પારદર્શક” પ્રક્રિયા ગણાવી તેમના કોર્પોરેટરને ખોટા જાહેર કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની ગુરૂવારે મળેલી બેઠકમાં ભાજપના કોર્પોરેટર જયેશ ત્રિવેદીએ વેન્ટીલેટર ખરીદીનો હિસાબ માંગતા કમિશ્નર અકળાયા હતા તેમજ મેટ દ્વારા ખરીદી થઈ છે મેટ ની કમીટીમાં સ્ટેન્ડીંગ ચેરમેન પણ સભ્ય છે તેવો જવાબ આપતા ભાજપના ચેરમેન અને સભ્યો બરાબર ફસાયા છે શહેરના સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરોએ ફાળવેલ બજેટમાંથી ૧૦૦ અને મ્યુનિ. ફંડમાંથી ૧પ૦ વેન્ટીલેટર ખરીદ કરવામાં આવ્યા છે.
સામાન્ય નિયમ મુજબ મ્યુનિ. ફંડમાંથી કામને સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજુ કરવા જરૂરી છે પરંતુ કોરોના મહામારી દરમ્યાન દવા અને સાધનોની ખરીદીમાં સમય ન વેડફાય તે માટે ભાજપના જ શાસકોએ સ્ટેન્ડીંગ કમીટી અને મ્યુનિ. બોર્ડમાં ઠરાવ કરી તમામ સત્તા કમિશ્નરને આપી છે તેથી વેન્ટીલેટર ખરીદીનું કામ સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ લાવવાની કે મંજુરી લેવાની જરૂરીયાત રહેતી નથી. તદ્પરાંત મેટ ની કમીટીમાં સ્ટેન્ડીંગ ચેરમેન, હોસ્પિટલ ચેરમેન અને હેલ્થ ચેરમેન હોદ્દાની રૂએ સભ્ય છે તેથી વેન્ટીલેટર ખરીદી સમયે તેમની મંજુરી પણ લેવામાં આવી હશે તે બાબત માની શકાય તેમ છે. ભાજપના સભ્ય જયેશ ત્રિવેદીની બીજી ટર્મ છે. ગત ટર્મમાં તેઓ હેલ્થ કમીટીના ડે. ચેરમેનપદે રહી ચુકયા છે તેથી “મેટ” અને “એસ.વી.પી.”ની બાબતથી તેઓ વાકેફ છે તેમ છતાં કમીટીમાં વેન્ટીલેટર અંગે પ્રશ્ન કરતા અનેક તર્ક- વિતર્ક થઈ રહયા છે.
મ્યુનિ. ભાજપમાં ચાલી રહેલી ચર્ચા મુજબ કમીટી બેઠક પહેલા મળતી એજન્ડા મીટીંગમાં આ બાબતે ચર્ચા થઈ હોય તો ભાજપ દ્વારા કમિશ્નરને સકંજામાં લેવા પ્રયાસ થયો હતો પરંતુ તે બુમરેંગ સાબિત થયો છે. એજન્ડા બેઠકમાં આ મુદ્દે ચર્ચા ન થઈ હોય તો સભ્ય જયેશ ત્રિવેદીએ કોઈના ઈશારે ચેરમેનને ભીંસમાં લેવા મુદ્દો ઉઠાવ્યો હશે તેમ માનવામાં આવે છે. જાેકે ચોંકાવનારી બાબત એ છે કે રૂા.પ૦૦ કરોડના ખર્ચથી તૈયાર થયેલ એસ.વી.પી હોસ્પિટલ બનાવવા માટે પણ સ્ટેન્ડીંગની મંજુરી લેવામાં આવી ન હતી
ગત્ ટર્મમાં આ જ મુદ્દે સ્ટેન્ડીંગ કમીટીમાં ભારે તડાફડી થઈ હતી મ્યુનિ. કમિશ્નર દ્વારા “મેટ” અંતર્ગત જે વેન્ટીલેટર ખરીદ કરવામાં આવ્યા છે તેનો લેખિત હુકમ ડે. મ્યુનિસિપલ કમિશ્નર (હોસ્પીટલ) દ્વારા કરવામાં આવ્યો હતો તેમજ વેન્ટીલેટર હાલ ઈન્સ્ટોલ થઈ રહયા છે ત્યારબાદ તેના ટેસ્ટીંગ થશે તે પછી જ તેના પેમેન્ટ કરવામાં આવશે. હજી સુધી ખરીદીનો ખર્ચ ઉધારવામાં આવ્યો નથી તેથી ભાજપના સભ્યએ અપુરતી માહિતીના આધારે સવાલ કર્યાહતા જેમાં તેમના ચેરમેન અને પાર્ટી બંને ફસાયા છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.