મેટ્રોમોનિયલ સાઈટ પર યુવતીઓને ફસાવી શરીર સંબંધ બાંધી રૂપિયા પડાવતો શખ્સ ઝડપાયો
ભારતભરમાં આવા ગુના આચર્યાની કબુલાતથી પોલીસ પણ ચોંકી
(પ્રતિનિધિ) અમદાવાદ, લગ્નવાંચ્છુક યુવતી અને તેમના પરીવારો યોગ્ય મુરતિયા શોધવા માટે મેટ્રીમોનિયલ સાઈટનો ઉપયોગ કરતાં હોય છે. જાેકે આવી સાઈટનો ઉપયોગ કેટલાંક ઈસમો યુવતીઓને ફસાવીને તેમની સાથે અયોગ્ય વર્તન કરવા તથા રૂપિયા પડાવવા માટે કરતા હોય છે. જેને પગલે કેટલીક વખત યુવતી કે તેના પરીવારે રડવાનો વારો આવે છે. આવો જ એક આંખ ખોલનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિવિધ મેટ્રેનોનિયલ સાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવીને યુવતીઓને ફસાવી તેમની સાથે જારકર્મ કરતો તથા તેમની પાસેથી રૂપિયા પડાવતાં એક શખ્સને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો છે. આ શખ્સે ભારતભરની યુવતીઓ સાથે આવા કૃત્ય કર્યાનું બહાર આવ્યું છે.
શહેર સાયબર ક્રાઈમને કેટલાંક દિવસો પહેલા એક યુવતીએ ફરીયાદ કરી હતી કે વિહાન શર્મા નામના વ્યક્તિએ મેટ્રોમોનીયલ સાઈટ પરથી તેમનો નંબર મેળવી સંપર્ક કર્યો હતો અને પોતે હૈદ્રાબાદ ખાતે ગુગલમાં મેનેજર તરીકે નોકરી કરે છે પરીવાર દિલ્હીનો છે જેમાં પિતા એસબીઆઈમાં મેનેજર તથા બહેન-બનેવી દુબઈ ખાતે રહેતા હોવાની વાત કહી હતી.
બાદમાં ચાર મહીના અગાઉ યુવતીને મળવા વિહાન અમદાવાદ આવ્યો હતો અને લગ્ન માટે પરીવાર રાજી છે તેમ કહી હોટેલમાં લઈ જઈ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં બહાના બતાવીને યુવતી પાસે જ હોટેલનું બિલ ભરાવીને તેની પાસેથી રૂપિયા લઈ તે પલાયન થઈ ગયો હતો. યુવતીએ આ અંગેની ફરીયાદ કરતાં જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને ટેકનિકલ અભ્યાસમાં આરોપી સોમનાથ ખાતે હોવાનું જાણતા પોલીસે તેને ઝડપી લીધો હતો.
બાદમાં તેની પુછપરછ કરતાં આરોપી સંદીપ શંભુનાથ મિશ્રા (આઈડીપીએલ ટાઉનશીપ, ગુડગાંવ, હરીયાણા) એ પોતે ર૦૧૭થી જુદી જુદી મેટ્રોનીયલ સાઈટ પર વિહાન શર્મા, પ્રતીક શર્મા, આકાશ શર્મા ઉપરાંતના નામે પ્રોફાઈલ બનાવી ગુગલમાં નોકરી કરતો હોવાનું તથા ૩પ.૪૦ લાખ વાર્ષિક પગાર હોવાનું તથા આઈઆઈએમ અમદાવાદમાંથી ભણ્યો હોવાનું જણાવી યુવતીઓને ફસાવતો હતો. બાદમાં અન્ય વ્યક્તિઓ સાથેના ફોટા મોકલીને તે પોતાના પરીવારજન હોવાનું કહેતો. યુવતીઓને ફસાવ્યા બાદ લગ્નનું વચન આપીને તેમના ઘર નજીકની હોટેલમાં બોલાવી શરીર સંબંધ બાંધતો ઉપરાંત યુવતીઓ પાસેથી કોઈને કોઈ રીતે રૂપિયા પડાવીને ભાગી જતો બાદમાં મોબાઈલ નંબર પણ બદલી નાખતો હતો. પોલીસને સંદીપના ફોનમાંથી ઘણી યુવતીઓના સાદા, નગ્ન તથા અર્ધનગ્ન ફોટા મળી આવ્યા છે. ઉપરાંત નોકરી, ભણતર તથા વિઝા સહીતના ખોટા ડોકયુમેન્ટ પણ મળી આવ્યા છે. પોતે ભારતભરમાં ઘણી છોકરીઓ સાથે આવા ગુનાઓ આચર્યાની કબુલાત કરતં ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે.