મેટ્રો ફ્રેઝ-૧ના ઉદ્ઘાટન માટેની તારીખનો ઈંતેજાર
પ્રધાનમંત્રી કાર્યાલય પાસેથી ઉદ્ઘાટનની તારીખો લેવાશે
અમદાવાદ, ૨૦૧૫માં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ ૧નું કામ શરૂ થયું હતું અને ૨૦૨૦ સુધીમાં પૂરું થઈ જવાનું હતું. છેવટે હવે તેનું ઉદ્ઘાટન ઓગસ્ટ ૨૦૨૨ના અંતે થવાનું છે. રાજ્ય સરકાર પ્રધાનમંત્રી કાર્યાલય પાસેથી ઉદ્ઘાટન માટેની તારીખો લઈ શકે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોર લોકોના ઉપયોગ માટે ખુલ્લા મૂકી દેવાશે.
જાેકે, થલતેજ ગામથી શરૂ થતો પૂર્વ-પશ્ચિમ કોરિડોર થલતેજ ચાર રસ્તાથી કાર્યરત થશે. સાબરમતી અને કાંકરિયા ઈસ્ટ એમ બે સ્ટેશનનું કામ હજી ચાલુ છે અને ઉદ્ઘાટન પછી પણ ચાલુ રહેશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક સિનિયર ઓફિસરે કહ્યું કે, ૨૦૧૬માં નોર્થ-સાઉથ કોરિડોરનો શિલાન્યાસ કરતી વખતે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે, પ્રોજેક્ટ ૨૦૨૦ સુધીમાં પૂરો થઈ જશે.
દિલ્હીમાં મેટ્રો શરૂ થઈ તે પછી ૨૦૦૪ની સાલમાં અમદાવાદ મેટ્રોનું પ્લાનિંગ થયું હતું અને આખરે ૨૦૨૨માં આ સપનું સાકાર થશે.અધિકારીઓનું કહેવું છે કે, બંને કોરિડોર માટે ટ્રાયલ રન શરૂ થઈ ગઈ છે. જૂનના અંત સુધીમાં ફાઈનલ ઈન્સ્પેક્શન માટેની અરજી મેટ્રો રેલ સેફ્ટીના કમિશનર સુધી પહોંચાડી દેવાશે અને જુલાઈમાં ઈન્સ્પેક્શન થશે. “સીએમઆરએસના ક્લિયરન્સ પછી જ કોમર્શિયલ ઓપરેશન્સ શરૂ થશે”, તેમ અધિકારીએ ઉમેર્યું.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ ૧માં કુલ ૪૦.૩ કિલોમીટરના વિસ્તારને આવરી લેવાયો છે. જેમાંથી ઈસ્ટ-વેસ્ટ કોરિડોરના ૬.૫ કિલોમીટરના પટ્ટા પર માર્ચ ૨૦૧૯થી મેટ્રો દોડી રહી છે. અધિકારીઓનું માનીએ તો, બાકીના ૩૩.૫ કિલોમીટરના પટ્ટા પર મેટ્રો ઓગસ્ટ ૨૦૨૨ના અંત સુધીમાં દોડતી થઈ શકે છે. ૧૫ ઓગસ્ટે દેશને આઝાદી મળ્યાના ૭૫ વર્ષ થશે ત્યારે મેટ્રોના ફેઝ ૧નું કામ પૂરું થવું વિશેષ બની રહેશે.
ઉત્તર-દક્ષિણ કોરિડોર એપીએમસીથી મોટેરાના પટ્ટાને જાેડશે. બાદમાં ફેઝ-૨માં મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી સાથે પણ આ કોરિડોર જાેડાઈ જશે. પૂર્વ-પશ્ચિમ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ સુધીના પટ્ટાને જાેડશે.
અધિકારીઓનું કહેવું છે કે, કંસ્ટ્રક્શન શરૂ થયા પછી બે વર્ષનો વિલંબ થયો તેના માટે જમીન સંપાદન જવાબદાર છે. થલતેજ અને સાબરમતીમાં જમીન સંપાદનનું કાર્ય પડકારરૂપ રહ્યું હતું.
શરૂઆતમાં કોન્ટ્રાક્ટ IL&FSને અપાયો હતો પરંતુ તેમણે નાદારી નોંધાવતા બાદમાં અન્ય કંપનીને સોંપવામાં આવ્યો હતો, તેમ અધિકારીઓએ ઉમેર્યું.
જાેકે, એક વર્ષ બાદ આઈએલએન્ડએફએસપ્રોજેક્ટની કમાન ફરી સંભાળવા માટે પાછી ફરી હતી. પરિણામે વધુ એક વર્ષનો વિલંબ થયો હતો. જ્યારે લોકડાઉન જાહેર થયું ત્યારે કેટલાય પ્રવાસી શ્રમિકો પોતાના વતન પરત ફરતાં મજૂરી કામ માટે તેમની પણ તંગી વર્તાઈ હતી. અધિકારીઓના કહેવા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૦માં મંથર ગતિએ કામ શરૂ થયું હતું અને ૨૦૨૧માં જ ગતિ પકડી શક્યું.SS3KP