મેડિકલના વિદ્યાર્થીને કોવિડની ફરજિયાત ડ્યૂટી કરવી પડશે
અમદાવાદ: સરકાર સંચાલિત મેડિકલ અને પેરામેડિકલ કોલેજો તેમજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સંલગ્ન મેડિકલ કોલેજના તમામ વિદ્યાર્થીઓને કોવિડ-૧૯ની ડ્યૂટી ફરજિયાત આપવાનો પરિપત્ર રાજ્ય સરકારે હાલમાં જ બહાર પાડ્યો છે. બીજા વર્ષ કે તેનાથી વધુના વિદ્યાર્થીઓને કોવિડ-૧૯ની ડ્યૂટી બજાવવાની રહેશે. ઉપરાંત ફિલ્ડ સર્વેલન્સ અને સુપરવિઝન, ઈન્ફેક્શન રોકવું અને નિયંત્રિત કરવું, સાઈકો-સોશિયલ કેર, દર્દીઓની દેખરેખમાં મદદ તેમજ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓનું ધ્યાન રાખવાની કામગીરી પણ કરવી પડશે.
આ પરિપત્રમાં ગ્રેજ્યુએશન કરી રહેલા મેડિકલ અને પેરામેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ૧૭ જુલાઈના રોજ સરકારી ઠરાવ પસાર કર્યો હતો. જેમાં મેડિકલ, ડેન્ટલ અને પેરામેડિકલ કોર્સના તમામ વિદ્યાર્થીઓને ફરજ પર હાજર રાખવા જેથી કોરોના મહામારીની સ્થિતિ સંભાળવામાં મદદ મળે, તેવો ઉલ્લેખ હતો. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું, કોરોના મહામારી સામે લડવા માટે રાજ્યમાં ફ્રંટલાઈન મેડિકલ ટીમની અછત વર્તાઈ રહી છે. આ પરિપત્રનો ઉદ્દેશ મેડિકલ અને પેરામેડિકલના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની મદદથી વધારાની ફ્રંટલાઈન ટાસ્ક ફોર્સ તૈયાર કરવાનો છે. ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા જુલાઈમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
જેમાં એમબીબીએસ, બીડીએસ, ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ, બીએચએમએસ, બીએએમએસ અને વિવિધ શાખાઓના મેડિકલ અને પેરામેડિકલ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફિલ્ડમાં જતાં પહેલા ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લેવાનો રહેશે તેવો ઉલ્લેખ હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને એએમસી-એમઈટી મેડિકલ કોલેજના ૧૩૨ વિદ્યાર્થીઓએ ૧૭ જુલાઈના સરકારી ઠરાવ સામે ગુજરાત હાઈકોર્ટમાં વાંધો ઉઠાવ્યો હતો.
અમદાવાદ સ્થિત બંને કોલેજોના એમબીબીએસના વિદ્યાર્થીઓએ કોવિડ-૧૯ની ફરજમાં જોડાવ અથવા પરિણામ ભોગવવા તૈયાર રહો તેવા ડીનના પરિપત્રનો વિરોધ કર્યો હતો. જો કે, કોર્ટે વિદ્યાર્થીઓની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે વિદ્યાર્થીઓને ડ્યૂટીમાં જોડાવવાની સલાહ આપી સાથે જ કહ્યું કે, આ તેમના માટે ઐતિહાસિક તક બનીને રહેશે.