મેડિકલ કોલેજના દસ વિદ્યાર્થીઓને કોરોના થયો
રાજકોટ: શહેરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં પણ જીવલેણ વાયરસનો વિસ્ફોટ થયો છે. જેમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતાં ૧૦ વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે મેડિકલ કોલેજમાં ચાલતા ઓફલાઈન અભ્યાને બંધ કરીને હાલ ઓનલાઈન ક્લાસ લેવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મેડિકલ કોલેજના જે ૧૦ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમાંથી ૧ વિદ્યાર્થિની અને ૯ વિદ્યાર્થી છે.
આ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કોલેજના ડીન ડો. મુકેશ સામાણીએ મેડિકલ સ્ટાફની તાત્કાલિક બેઠક બોલાવી હતી. બેઠકમાં આજથી ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન ક્લાસ શરુ કરવાનો ર્નિણય કરાયો છે. ડો. મુકેશ સામાણીએ જણાવ્યું કે, હાલ કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓની સારવાર સિવિલ હોસ્પિટલના કોવિડ કેરમાં ચાલી રહી છે. કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓને ખૂબ જ જલ્દી રસી પણ આપવામાં આવશે. ૧ ફેબ્રુઆરીથી ઓફલાઈન શિક્ષણ શરુ થતાં વિદ્યાર્થીઓ કોલેજ હોસ્પિટલમાં રહેતા હતા.
આ સિવાય, ગુરુવારે રાજકોટમાં વધુ ૪૫ લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. બુધવારે અને ગુરુવારે શહેરમાં કુલ ૧૦૭ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જામનગરમાં રહેતા રાજ્યના પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીને કોરોના થયો છે. આ સિવાય તેમના પતિ નરેન્દ્રભાઈ ત્રિવેદી, પુત્ર દક્ષ, પુત્રવધૂ અભીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હાલ ચારેયને સારવાર માટે કોવિડ ૧૯ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૮૦ કેસ નોંધાયા હતા જ્યારે ૩૬૯ દર્દીઓ સાજા થયા હતા. આ જ દિવસે રાજ્યમાં કોરોના રસીકરણ દરમિયાન ૧,૩૧,૯૬૯ લોકોને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યારસુધીમાં ૨,૬૪,૫૬૪ દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે.