Western Times News

Gujarati News

મેડિકલ કોલેજમાં એડમિશનના બહાને ૫૧ લાખની છેતરપિંડી

Files Photo

બનાસકાંઠા, બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવમાં રહેતા એક વિદ્યાર્થીને મુંબઇની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને ૫૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે જે મામલે પોલીસે કોલેજના ડીન અને વચેટીયા સહિત બે લોકોની અટકાયત કરી છે અને આરોપીઓ પાસેથી ૪૧ લાખ રૂપિયા રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. વાવ તાલુકાના મોરીખા ગામે રહેતા હરસેંગભાઈ ખેમજીભાઈ ચૌધરીનો પુત્ર નરેન્દ્ર સાયન્સમાં અભ્યાસ કરે છે.

નરેન્દ્રને મુંબઈની સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ અને કોલેજમાં એડમિશન મેળવવું હતું. તે દરમિયાન રાજસ્થાનના મૂળ વતની અને અત્યારે મુંબઈ ખાતે રહેતા લવ અવધકિશોર ગુપ્તાએ હરસેંગભાઈનો સંપર્ક કર્યો હતો. અને કોલેજમાં એડમીશન અપાવી દેશે તેમ કહી કોલેજના ડીન સાથે મળી અલગ-અલગ આરટીજીએસ અને એકાઉન્ટમાં કુલ ૫૧.૧૬ લાખ રૂપિયા મેળવ્યા હતા.

જાે કે પૈસા લીધા બાદ પણ તેઓએ એડમિશન ન અપાવતા તેઓની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં હરસેંગભાઈએ વાવ પોલીસ મથકે મુંબઈની સાયન લોકમાન્ય તિલક કોલેજ અને હોસ્પિટલના ડીન ડો. રાકેશ રામનારાયણ વર્મા અને વચેટીયા લવ અવધકિશોર ગુપ્તા સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

જે બાદ પોલીસે તપાસ કરતા આ બંને આરોપીઓને ભરૂચ અને મુંબઈની સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે અટકાયત કરી વાવ પોલીસ મથકે લાવ્યા હતા અને બંને આરોપીઓના પોલીસે ૧૦ દિવસના રિમાન્ડ મેળવી ૪૧ લાખ રૂપિયા રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.