મેડીકલ સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યાંઃ દવાના જથ્થાની ચોરી કરી ફરાર
અમદાવાદ : શહેરનાં વિવિધ વિસ્તારોમાં નજર ચૂકવી ચોરી તથા ઘરફોડ ચોરીની કેટલીક ફરીયાદો નોંધાઈ છે. અતુલભાઈ ડોડીયા (રહે.અર્બુદાનગર-૧, ચાંદલોડીયા)એ સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે પોતે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. ગોતા બ્રીજ નીચે નવી જીડીસી બેન્કનું ઉદ્ઘાટન હોઈ હાજરી આપવા ગયેલાં અતુલભાઈની નજર ચૂકવી અજાણ્યા ઈસમે તેમનું પાકીટ મારી લીધું હતું. ઊપરાંત દસ હજારની કિંમતનો મોબાઈલ પણ ચોરી લીધો હતો. પાકીટમાં પાંચ હજારની રોકડ ઊપરાંત અગત્યનાં દસ્તાવેજા હતા.
ઈસનપુર આનંદવાડી ખાતે રહેતાં વૈશાલીબેન ચાવડા પોતાની વિનાયક મેડીકલ સ્ટોર્સ નામની દવાની દુકાન ઘોડાસર ખાતે ધરાવે છે. કેટલાંક દિવસ અગાઉ મધરાતે તસ્કરો તેમની દુકાન પર ત્રાટક્યા હતા અને દુકાનમાંથી પાંચસો પ્રકારની દવાઓ જેની કિંમત દોઢ લાખ રૂપિયા ઊપરાંત કેટલીક રોકડ પણ ચોરી ગયા હતા. એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં વેપારી પવનભાઈ શુક્લાએ ફરીયાદ નોંધાવી છે કે પોતે સીક્યુરીટી કંપની ચલાવે છે. પાલડી ચાર રસ્તા કોચરબ આશ્રમ સામે આઈટીડી કંપનીનું કાર્ય ચાલે છે. તે સાઈટ પરથી કેટલાંક મશીનો ઊપરાંત સાધનો વાયર, કેબલ સહિત પચાસ હજારનો માલ કોઈ શખ્સ ચોરી ગયો છે. પોલીસે તેની તપાસ શરૂ કરી છે.