મેદાનમાં ઉતરતા પૂર્વે બેન સ્ટોક્સ મહિલા ડિઓડ્રન્ટ લગાવે છે
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સ્ટોક્સે ભારત સામે ત્રણ મેચની સિરીઝની બીજી વનડેમાં ૯૯ રનની ઈનિંગ રમી હતી
નવી દિલ્હી, ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ભારત વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝની બીજી વનડેમાં ૯૯ રનની ઉત્કૃષ્ટ ઈનિંગ રમી હતી. સ્ટોક્સ પોતાની સેન્ચ્યુરીથી ચૂકી ગયો હતો. પરંતુ તેણે ટીમને જીત અપાવવામાં કોઈ કસર છોડી નહી. આ બધા વચ્ચે સ્ટોક્સે એક મોટો ખુલાસો કર્યો છે.
સ્ટોક્સે જણાવ્યું કે તે મેચ પહેલા મહિલાઓનું ડિઓડ્રન્ટ લગાવે છે. સ્ટોક્સ મેચ પહેલા મહિલાઓનું ડિયોડ્રન્ટ કેમ લગાવે છે તેના માટે એવું રસપ્રદ કારણ જણાવ્યું છે કે જાણીને તમે પણ હસી પડશો. સ્ટોક્સે રેડિયો સ્ટેશન ટોક સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું ડિયોડ્રન્ટ વધુ સુગંધીદાર હોય છે.
એટલું જ નહીં સ્ટોક્સે તો એવો પણ ખુલાસો કર્યો છે કે આવું કરનાર તે એક માત્ર ખેલાડી નથી પરંતુ આખી ટીમ આ કામ કરે છે. આ ઉપરાંત જ્યારે સ્ટોક્સને પૂછવામાં આવ્યું કે કયું ડિયોડ્રન્ટ તેને વધુ પસંદ છે તો તેણે કહ્યું કે દાડમની ખુશબુવાળું ડિયોડ્રન્ટ તેને ખુબ ગમે છે.
આજે છેલ્લી વનડે છે. હવે જાેવાનું રહેશે કે કોણ જીતીને સિરીઝ કબ્જે કરશે. પરંતુ આ અગાઉ બીજી વનડેમાં ૩૩૭ રનના ભારતે આપેલા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને ઓપનર જ્હોની બેયરસ્ટો અને જેસન રોયે શાનદાર શરૂઆત આપી હતી. આ બંને વચ્ચે પહેલી વિકેટ માટે ૧૧૦ રનની ભાગીદારી થઈ હતી. જાે કે ૧૭મી ઓવરમાં રોય ૫૫ રન બનાવીને આઉટ થઈ ગયો. રોય આઉટ થઈ ગયા બાદ બેયરસ્ટોનો સાથે બેન સ્ટોક્સે આપ્યો હતો. બેયરસ્ટોએ ૧૨૪ રનની શાનદાર ઈનિંગ રમી અને સ્ટોક્સે પણ ૯૯ રન કર્યા. જાે કે સદીથી ચૂકી ગયો.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે નિર્ણાયક મેચ છે. ત્રણ મેચોની સિરીઝની આ છેલ્લી મેચ છે. પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ૬૬ રનથી જીત મેળવી હતી. બીજી મેચ ઈંગ્લેન્ડે ૬ વિકેટથી જીતી હતી. આ અગાઉ ભારતે ટેસ્ટ અને ટી-૨૦ સિરીઝ કબ્જે કરી હતી.