મેયરની કરકસર: મ્યુનિ. અધિકારીઓને બારે મહિના દિવાળી
મેયર બંગલાનું માસિક બીલ માત્ર રૂા.૧પ૦૦: કમિશ્નર બંગલાનું માસિક બીલ રૂા.પ૦૦૦: દાણાપીઠ કાર્યાલયનું બીલ માસિક રૂા.૯ લાખ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના ર૦ લાખ કરદાતાના પરસેવાની કમાણીનો ધુમાડો કેવી રીતે થઈ રહયો છે તે જાવા માટે મ્યુનિ. કોર્પોરેશનના દાણીપીઠ કાર્યાલય ની મુલાકાત લેવી જરૂરી છે. શહેરના નાગરીકો સારા રોડ, પીવાલાયક પાણી, સ્ટ્રીટ લાઈટ, શ્રેષ્ઠ પરિવહન સેવા શ્રેષ્ઠ સરકારી શિક્ષણ અને સારવાર જેવી સવલતો માટે વલખા મારી રહયા છે. જેનું મુખ્ય કારણ, વેરાના નાણાંનો બેફામ થઈ રહેલ દુર્વવ્ય છે. મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખ તથા ઉચ્ચ અધિકારીઓ પ્રજાના રૂપિયે રાજા-મહારાજા જેવી સાહ્યબી ભોગવી રહયા છે. જેનો સાક્ષાત્કાર મ્યુનિ. કોર્પોરેશનના દાણાપીઠ કાર્યાલય ખાતે થઈ શકે છે.
જેમાં ઓફીસ દીઠ પાંચ થી સાત એ.સી.મશીનો અને ૩૦ કરતા વધુ લાઈટો “પ્રજાના સેવકો” માટે નાંખવામાં આવી છે. જાેકે મ્યુનિ. અધિકારીઓ કરતા શહેરના પ્રથમ નાગરિક (મેયર) વધુ કરકસરીયા સાબિત થયા છે તેમજ મેયર બંગલાનું માસિક બીલ માત્ર ૧પ૦૦ આવે છે જેની સામે કમિશ્નર બંગલાનું બીલ પાંચ હજાર કરતા વધુ આવી રહયું છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પો. તરફથી શહેરના પ્રથમ નાગરિક (મેયર) અને મ્યુનિ. કમિશ્નરને રહેવા માટે બંગલા ફાળવવામાં આવે છે જેના લાઈટબીલ સહિતનો ખર્ચ કોર્પોરેશનની તિજાેરી પર પડે છે. શહેર મેયર કિરીટભાઈ પરમાર તેમની સાદગી અને સરળતા માટે જાણીતા છે તેઓ મેયર બંગલાનો રહેવા માટે ઉપયોગ કરતા નથી જેના કારણે એપ્રિલ- ર૦ર૧ થી જુલાઈ ર૦ર૧ સુધી મેયર બંગલાનું લાઈટ બીલ માત્ર રૂા.૬૭૪૬ આવ્યું છે. જેની માસિક સરેરાશ ૧૭૦૦ રૂપિયા થાય છે જેની સામે કમિશ્નર બંગલાનું ચાર મહિનાનું બીલ રૂા. ર૦ર૩પ આવ્યું છે જેની માસિક સરેરાશ રૂા.પ૦૦૦ થાય છે.
નોંધનીય છે કે અગાઉના મેયર અને કમિશ્નર તેમની વૈભવી લાઈફ સ્ટાઈલ માટે જાણીતા હતા તેમના કાર્યકાળ દરમિયાન ર૦ર૦-ર૧ માં મેયર બંગલાનું લાઈટ બીલ રૂા.૯ર૪૬૮ આવ્યું હતું જેની સરેરાશ લગભગ રૂા.૭પ૦૦ થાય છે જયારે પૂર્વ કમિશ્નરના સમય દરમિયાન કમિશ્નર બંગલાનું માસિક બીલ રૂા.૧૦૯૬૯ર આવ્યુ હતું જેની સરેરાશ રૂપિયા નવ હજાર થાય છે.
નોંધનીય છે કે મેયર બંગલાનું રૂા.૮૧ લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે તેમજ જેના કારણે ઓફિસ, કોન્ફરન્સ રૂમ, રહેણાંક, તેમજ મીટીંગ રૂમમાં મળી કુલ ૧૩ એરકન્ડીશન લગાવવામાં આવ્યા છે તેમ છતાં ચાર મહિનામાં માત્ર રૂા.૬પ૦૦ની આસપાસ બીલ આવ્યું છે પૂર્વ મેયર બીજલબેન પટેલના કાર્યકાળમાં આટલા એસી ન હતા તેમ છતાં બીલની રકમ ઘણી જ વધારે આવી છે જયારે કમિશ્નરના બંગલામાં સાત એરકન્ડીશન છે. દાણાપીઠ કાર્યાલયનું ર૦ર૦-ર૧ માં રૂા.૮૦૮૩૯૬ર બીલ આવ્યુ હતું જયારે ર૧-રર ના માત્ર ચાર મહિનામાં રૂા.૩પ૧૬૪૪ર આવ્યું છે. કોરોનાના કારણે ર૦-ર૧ મા બીલ આવ્યું હતું.
મ્યુનિ. કોર્પોરેશનના દાણાપીઠ કાર્યાલય કેમ્પસના “સી” બ્લોકમાં મ્યુનિ. કમીશ્નર ડે. મ્યુનિ. કમીશ્નર, મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, સબ કમીટી ચેરમેન, પક્ષ નેતા, વિપક્ષ નેતા તથા ભાજપ-કોગ્રેસના કાર્યાલય છે. જયારે “ડી” બ્લોકમાં મધ્યઝોનની ઓફીસ છે. શહેરના મેયર, કમીશ્નર ડે. મ્યુનિ.કમીશ્નરો તથા અન્ય અધિકારી-પદાધિકારીઓ જે “સી” બ્લોકમાં બેલી ને પ્રજાની સેવા કરી રહયા છે. તેમાં “પ્રજા સેવકો” માટે કુલ ૧ર૮ એ.સી. મશીનો લગાવવામાં આવ્યા છે. જેમાં ૧.પ ટનના ૧૦૧ તથા બે ટનના ર૭ એ.સી.નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય બાબત એ છે કે “સી” બ્લોકમાં ૩ર૦ એચ.પીનો સેન્ટ્રલ એ.સી.પ્લાન્ટ પણ છે.
જે તમામ મહાનુભાવો ની ઓફીસમાં સેન્ટ્રલ એ.સી.ની સુવિધા છે. તેમાં છતાં અલગથી ૧.પ ટન અને બે ટનના એ.સી. નાંખવામાં આવ્યા છે. દાણાપીઠ કેમ્પસના “એ” બ્લોકનો વપરાશ બંધ છે. તેમ છતાં તેમાં ૧.પ ટનના ૦૪ અને બે ટનના ૦ર મળી કુલ ૦૬ એ.સી. મશીન છે.
તદ્ઉપરાંત એક રેફ્રીજેટર અને એક વોટરપ્યોરી ફાયર પણ “એ” બ્લોકમાં છે. જેનો ઉપયોગ વર્ષમાં બે થી ત્રણ વખત જ થતો હશે “બી” બ્લોકમાં તમામ વિભાગના એચઓડીની ઓફીસો છે.તેમાં કુલ ૭૩ એ.સી. મશીન છે. “બી” બ્લોકના પાંચ માળમાં ૧.પ ટનના ૪૬ તથા બે ટનના ર૭ એ.સી. છે. જયારે ૧૪ વોટરકુલર ૧૪ વોટર પ્યોરી ફાયર અને ૦ર નંગ ફ્રીજ છે. વોટરકુલર અને વોટર પ્યોરી ફાયર જરૂરી છે. પરંતુ પાંચ માળમાં ૭૩ એ.સી. મશીન ને પ્રજાના રૂપિયાનો ધુમાડો જ કહેવામાં આવે છે.
જયારે મધ્યઝોનની ઝોનલ ઓફીસ સમાન “ડી” બ્લોકમાં કુલ ૧૯ એ.સી. મશીન છે. જેમાં ૧.પ ટન ના ૧ર તથા બે ટનના ૦૭ એ.સી.મશીનનો સમાવેશ થાય છે. “ડી” બ્લોકના પાંચ માળમાં પાંચ વિભાગ છે. જેમાં ૧૯ એ.સી. છે. નોધનીય બાબત એ છે કે “ડી”બ્લોકમાં પ્રજા માટે વોટર કુલર તથા વોટર પ્યોરી ફાયર મુકવામાં આવ્યા નથી. પરંતુ બાબુઓ માટે ફ્રીજ મુકવામાં આવ્યા છે !
મ્યુનિ.કોર્પોરેશનમાં બિરાજમાન ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ઓફીસમાં ઓછામાં ઓછા ત્રણથી પાંચ એ.સી. મશીન છે તેમજ આ મહાનુભાવોને ઘરેથી ઓફીસ આવવા -જવા માટે રૂ.૧પ થી ર૦ લાખની ગાડીઓ પણ પ્રજાના રૂપિયા આપવામાં આવી છે. આ તમામ મહાનુભાવો જે “સી” બ્લોકમાં પ્રજાના કામો માટે બિરાજમાન થાય છે. તે “સી” બ્લોક દિવસભર લાઈટોથી ઝગમગ થાય છે.“સી” બ્લોકના ગ્રાઉન્ડ ફલોરમાં ૪૦ લાઈટો છે. જયારે બેઝમેન્ટમાં ૧૮ વોલ્ટની પ૦ એલઈડી ટયુબલાઈટનો બેફીકર ઉપયોગ થઈ રહયો છે. પરંતુ બ્લોકના બીજા માળે ર૩૬ નંગ લાઈટો છે. જેમાં ૧પ વોલ્ટની ૧૬૩,૧૮ વોલ્ટની ર૪ તથા ૩૬ વોલ્ટની પ૯ નંગ એલઈડી લાઈટ છે.
બીજા માળે મ્યુનિ. કમીશ્નર ૦૬ ડે.મ્યુનિ. કમીશ્શ્નર તથા બે અધિકારીઓની ઓફીસ છે. જયારે ત્રીજા માળે કુલ ૩૩૩ નંગ લાઈટો ઝગારા મારી રહી છે. જેમાં ૧પ વોલ્ટ ની ૧૪૯, ૧૮ વોલ્ટની ૬ર, ર૪ વોલ્ટની ૧૦, ર૬વોલ્ટની ૧૧ તથા ૩૬ વોલ્ટની ૧૦૧ લાઈટોનો સમાવેશ થાય છે. નોધનીય છે કે ત્રીજા માળે મેયર, સ્ટે.ચેરમેન, ડે.મેયર, દંડક, પક્ષનેતા અને સેક્રેટરી ઓફીસ છે. આમ માત્ર ૦૬ ઓફીસમાં ૩૩૩ નંગ લાઈટ અને ઓછામાં ૪૦-૩૦ એ.સી.નો ઉપયોગ ત્રીજા માળે થઈ રહયો છે. જયારે સેન્ટ્રલી એ.સી. વ્યવસ્થા અલગ છે. “પ્રજાના સેવકો” દ્વારા “પ્રજાના રૂપિયા” નો કેવી રીતે ધુમાડો થાય છે. તે “સી” બ્લોકમાં જાવા મળે છે.