અમદાવાદના મેયરને કોરોનાના એન્ટીજન ટેસ્ટ પર વિશ્વાસ નથી: કોંગ્રેસ
જે રીપોર્ટના આધારે વિધાનસભામાં હાજરી આપી તે જ રીપોર્ટને મેયર અમાન્ય માને છે: ઈમરાન ખેડાવાલા
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજય વિધાનસભાના સત્રમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી સહીત તમામ ધારાસભ્યો તથા મીડીયાકર્મીના એન્ટીજન ટેસ્ટ (Corona Antigen Test) કરવામાં આવ્યા હતા જેમાં નેગેટીવ રીપોર્ટ આવ્યો હોય તે લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યા છે. સમગ્ર રાજયમાં પણ શંકાસ્પદ દર્દીના એન્ટીજન ટેસ્ટ થઈ રહયા છે તથા તેના રીપોર્ટના આધારે જ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
પરંતુ અમદાવાદ શહેરના મેયરને એન્ટીજન ટેસ્ટ પર લેશમાત્ર ભરોસો નથી જેના કારણે શુક્રવારે મળેલી (AMC General Meeting) મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં એન્ટીજન ટેસ્ટનો નેગેટીવ રીપોર્ટ લઈ પ્રવેશ મેળવનારા જમાલપુરના ધારાસભ્ય કમ કોર્પોરેટર ઈમરાન ખેડાવાલાને (Jamalpur Imran Khedawala) મીટીંગમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. મેયરનો સદ્ર નિર્ણય ચર્ચાસ્પદ બન્યો છે તથા કોંગ્રેસ પાર્ટી દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.
લોકડાઉન અને કોરોના કાળના કારણે ફેબ્રુઆરી મહીના બાદ પ્રથમ વખત મળેલી મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં કોંગ્રેસે કોરોના, તુટેલા રોડ અને ગાયો મામલે આક્રમક રજુઆત કરી હતી. પરંતુ બોર્ડ શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના કોર્પોરેટર અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને બેઠકમાંથી બહાર જવા માટે અધ્યક્ષસ્થાનેથી થયેલા ફરમાન મુદ્દે ભારે ગરમાગરમી થઈ હતી.
મ્યુનિ. બોર્ડની સભામાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ કરાવવા ફરજીયાત હતા તથા તેના રીપોર્ટના આધારે જ અધિકારીઓ અને કોર્પોરેટરોને પ્રવેશ આપવામાં આવ્યા હતા. જમાલપુરના કોર્પોરેટર ઈમરાન ખેડાવાલા પણ એન્ટીજન ટેસ્ટ રીપોર્ટના આધારે બોર્ડની બેઠકમાં હાજર રહયા હતા.
પરંતુ અધ્યક્ષસ્થાનેથી મેયર બીજલબેન પટેલે એન્ટીજન ટેસ્ટને અમાન્ય ઠેરવી ઈમરાન ખેડાવાલાને સભાગૃહ છોડવા જણાવ્યુ હતું. મેયરના આદેશ બાદ કોંગ્રેસના કોર્પોરેટરો પણ વોક આઉટ કરવા તૈયાર થયા હતા પરંતુ છ મહીના બાદ પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા કરવા માટે તક મળી હોવાથી તેનો પુરતો લાભ લેવા ઈમરાન ખેડાવાલાએ સાથી કોર્પોરેટરોને જણાવ્યુ હતુ. તથા તેઓ સભાગૃહ છોડીને નીકળી ગયા હતા.
જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ઉપરોકત માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભામાં એન્ટીજન ટેસ્ટ રીપોર્ટના આધારે જ તેમને પ્રવેશ મળ્યો છે જેના માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજયમંત્રી તથા ભાજપના કોઈપણ ધારાસભ્યએ વિરોધ કર્યો નથી.
વિધાનસભા સત્રમાં પ્રવેશ માટે એન્ટીજન ટેસ્ટને માન્ય રાખવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો અને પત્રકાર મિત્રોએ પણ એન્ટીજન ટેસ્ટ કરાવ્યા છે જયારે મેયર બીજલબેન પટેલને એન્ટીજન ટેસ્ટ પર વિશ્વાસ ન હોય તેમ લાગી રહયુ છે. જેના કારણે જ તેમણે તમામ કોર્પોરેટરો અને અધિકારીઓને RT-PCR ટેસ્ટ કરવા સુચના આપી હતી. મેયરના ફરમાન બાદ એમ લાગી રહયુ છે કે તેઓ મુખ્યમંત્રી કરતા સવાયા સાબિત થવા પ્રયાસ કરી રહયા છે
તેમજ કોર્પોરેટરો કરતા ધારાસભ્યનું કદ નાનું હોય તેમ સાબિત કરવા પ્રયત્ન કરે છે મેયરના આદેશ મુજબ સેક્રેટરી ઓફીસ દ્વારા ર૧ સપ્ટેમ્બરે કોર્પોરેટરો અને અધિકારીઓને કોરોના ટેસ્ટ કરાવવા પરિપત્ર કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં એન્ટીજન ટેસ્ટ માન્ય રાખવામાં નહીં આવે તેવો કોઈ જ ઉલ્લેખ નથી.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
રાજયના લાખો નાગરીકો એન્ટીજન કરાવી રહયા છે. અમદાવાદ શહેરના ૭પ અર્બન સેન્ટર અને ૧૦૦ ડીઓસ્ક ખાતે પણ એન્ટીજન ટેસ્ટ થઈ રહયા છે તો શુ આ તમામ ટેસ્ટના રીપોર્ટ ખોટા છે ? તેને અમાન્ય ગણવામાં આવશે તેવો વેધક સવાલ પણ ઈમરાન ખેડાવાલાએ કર્યો હતો.
મ્યુનિ. વિપક્ષી નેતા દિનેશ શર્માએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે વિધાનસભા માટે કરાયેલા ટેસ્ટને અમાન્ય રાખવામાં આવે તે આશ્ચર્યજનક બાબત છે. ઈમરાન ખેડાવાલાએ ટાગોર હોલ ખાતે કે અન્ય અર્બન પર RT-PCR ટેસ્ટ કરાવ્યો નથી તે મુદ્દે મેયરે તેમને ગૃહમાંથી બહાર જણાવ્યુ હતુ ઈમરાન ખેડાવાલાએ મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટર પર જ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો છે. વિધાનસભા સત્ર શરૂ થયુ તે પહેલા જ આ ટેસ્ટ કરવામાં આવ્યો છે.
કોરોના માટે કેટલા સમયના અંતરે ટેસ્ટ કરાવવા તેની કોઈ ચોક્કસ ગાઈડલાઈનની મેયરને પણ ખબર હશે નહિ. પ્રજાકીય પ્રશ્નોને અને ભ્રષ્ટાચારને ટાળવા માટે આ તુક્કો લગાવવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસ પક્ષે સમય સૂચકતા દાખવી તેમના મનસુબા પાર પડવા દીધા નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.