મેયરપદે ચેતન પરમાર જયારે સ્ટે.ચેરમેન પદે હિતેન્દ્ર બારોટ અને ગૌતમ પટેલ પ્રબળ દાવેદાર
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરીણામ એક સપ્તાહ અગાઉ જાહેર થઈ ગયા છે. પરંતુ નગરપાલિકા અને જિલ્લા- તાલુકા પંચાયત ચૂંટણીના કારણે મેયર સહીતના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી નથી.
ગત્ રવિવારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું મતદાન થઈ ગયુ છે તેથી આગામી એક-બે દિવસમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં શહેર મેયર સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી થાય તેવી શક્યતા છે. મ્યુનિ. હોદ્દેદારોની પસંદગીમાં જ્ઞાતિ સમીકરણના બદલે આવડત અને અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
અમદાવાદ શહેરના પ્રથમ નાગરીકની પસંદગી અને જાહેરાત ચાલુ સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે. શહેર મેયરપદ રપ વર્ષ બાદ અનુસૂચિત જાતિના કોર્પોરેટર માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે. જેના માટે હિંમાશુભાઈ વાળા, કીરીટભાઈ પરમાર અને ચેતનભાઈ પરમારના નામ ચર્ચામાં છે.
ગત્ પુર્ણ થયેલી ટર્મમાં એલિસબ્રીજ વિધાનસભામાંથી મેયરની નિમણૂંક કરવામાં આવી હતી તેથી હિંમાશુભાઈ વાળાની પસંદગી થાય તેવી શક્યતા ઓછી છે પરંતુ તેઓ સંગઠન સાથે સંકળાયેલા હોવાથી તેમની દાવેદારી નકારી શકાય તેમ નથી.
મેયરપદ માટે કીરીટભાઈ પરમાર પણ હરીફાઈમાં છે. તેમની ત્રીજી ટર્મ છે તદ્પરાંત છેલ્લી ટર્મમાં તેઓ સ્ટેન્ડીગ કમીટી સભ્ય તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે તેથી વહીવટી વિભાગનો પુરતો અનુભવ પણ છે.
મેયરના હોદ્દા માટે ચેતન પરમારને “ડાર્ક હોર્સ” માનવામાં આવે છે. ભાજપ શહેર હોદ્દેદાર અને ચેતન પરમારના પારિવારીક તથા વ્યાવસાયિક સંબંધો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે તેથી ચેતન પરમારને પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહયા છે
જયારે ડે. મેયરપદ માટે ઈસનપુર વોર્ડના મહીલા કોર્પોરેટર મોનાબેન રાવલ અને નારણપુરાના કોર્પોરેટર ગીતાબેન પટેલની દાવેદારી મજબુત માનવામાં આવે છે. પૂર્વ સ્ટે. ચેરમેન અમુલભાઈ ભટ્ટની માફક મોનાબેન રાવલ પણ મુખ્યમંત્રીના વિશ્વસનીય વર્તુળના માનવામાં આવે છે. જયારે ગીતાબેન પટેલ સીનીયર અને પાટીદાર સમાજના હોવાથી તેમની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
મ્યુનિ. કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનના હોદ્દાને મહત્વનો માનવામાં આવે છે. ર૦૦પથી ર૦ર૦ સુધીના ૧પ વર્ષમાંથી દસ વર્ષ સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે પાટીદાર સમાજના કોર્પોરેટરની પસંદગી થઈ હતી.
જયારે પાંચ વર્ષ બ્રહ્મસમાજના કોર્પોરેટર સ્ટે. ચેરમેન તરીકે રહયા હતા. ગત્ ટર્મના કડવા અનુભવ બાદ પાર્ટી આવડત પર ધ્યાન આપશે. સાથે- સાથે ઓબીસી સમાજના કોર્પોરેટરને પણ લાંબા સમય બાદ તક મળી શકે છે.
જેમાં થલતેજના કોર્પોરેટર હિતેન્દ્રભાઈ બારોટ પ્રબળ દાવેદાર છે. તદ્પરાંત અનુભવી મહાદેવ દેસાઈના નામ પર ચર્ચા થઈ શકે છે. જાે પાર્ટી પાટીદાર સમાજને પ્રાધાન્ય આપશે તો ઈસનપુર વોર્ડના ગૌતમ પટેલની પસંદગી થઈ શકે છે.
જાે ગૌતમ પટેલને સ્ટે. ચેરમેનપદ સોંપવામાં આવે તો મેયર અને ડે. મેયરના નામમાં બદલાવ આવી શકે છે તથા ચેતન પરમાર અને મોનાબેન રાવલની બાદબાકી કરવી પડે તેવા સંજાેગો ઉપસ્થિત થઈ શકે છે પક્ષ નેતાપદે બે ટર્મના અનુભવી ભાસ્કરભાઈ ભટ્ટના નામ પર પાર્લામેન્ટરી બોર્ડ વિચારણા કરી શકે છે.
જયારે છેલ્લી બે ટર્મથી દંડક તરીકે ઠાકોર સમાજના કોર્પોરેટરની પસંદગી કરવામાં આવે છે નવી ટર્મમાં દંડક પદ પર નવા અને બિનઅનુભવી ચહેરાને તક આપવામાં આવી શકે છે. મ્યુનિ. સબ કમીટીના ચેરમેન તરીકે પ્રથમ ટર્મમાં દેવાંગ દાણી, જતીન પટેલ, પરેશ પટેલ, ઉમંગ નાયક, જયેશ ત્રિવેદી, જલ્પાબેન પંડયા, ભરતભાઈ પટેલ, પ્રકાશ ગુર્જરના નામ પર મ્હોર લાગી શકે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.