મેરઠ જઈ રહેલા રાહુલ-પ્રિયંકાને પોલીસે અટકાવ્યા
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીને મંગળવારે મેરઠ જવા માટે યુપી પોલીસે અટકાવી દીધા છે. બન્ને નેતા નાગરિકતા બિલ અંગે થયેલા દેખાવોમાં મૃતકોના પરિવારજનોને મળવા જઈ રહ્યા હતા. પ્રશાસનના અધિકારીઓએ રાહુલને કહ્યું કે, શહેરમાં હાલ કલમ-144 લાગુ છે. જેથી તેમના ત્યાં જવાની મંજૂરી આપવી શક્ય નથી. પોલીસના સમજાવ્યા બાદ બન્ને નેતા પાછા વળ્યા છે. મેરઠમાં શુક્રવારે થયેલા હિંસક દેખાવમાં ચાર દેખાવકારોના મોત થયા હતા.
મેરઠમાં આ પ્રદર્શનમાં આસિફ, મોહસિન, જહીર, આસિફ અને અલીમ નામના પાંચ પ્રદર્શનકારીના મોત થયા હતા. પ્રદર્શન દરમ્યાન ઉપદ્રવીઓએ ચહેરા પર નકાબ લગાવી પથ્થરમારો કર્યો હતો
તો બીજી બાજુ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધમાં કોલકાતામાં રેલી કાઢી હતી. દિલ્હીના મંડી હાઉસમાં પણ દેખાવ કરાઈ રહ્યા છે. તંત્રએ વિસ્તારમાં 144 લાગુ કરી દીધી છે.
આપને જણાવી દઇએ કે સંશોધિત નાગરિકતા કાયદાની વિરુદ્ધ ગયા સપ્તાહે મેરઠ સહિત યુપીના કેટલાંય શહેરોમાં હિંસક પ્રદર્શન થયું હતું. આ દરમ્યાન બીડે ઇસ્લામાબદ પોલીસ ચોકીને ફૂંકી મારી હતી. કેટલીય ગાડીઓને આગના હવાલે કરી દીધી હતી. મેરઠમાં પ્રદર્શનકારીઓના મોત થયા હતા જ્યારે 3 પોલીસવાળાઓને પણ ગોળી લાગી હતી.