મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. આ કેસમાં પ્રથમ અરજી દાખલ થઈ છે. 11 મે ના રોજ મેરિટલ રેપ ગુનો છે કે નહીં તેના પર દિલ્હી હાઈકોર્ટની બે જજોની બેન્ચનો વિભાજિત નિર્ણય સામે આવ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન બંને ન્યાયાધીશોનો અભિપ્રાય સરખો ન હતો. જેના કારણે બંને ન્યાયાધીશોએ આ મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે પ્રસ્તાવ મુક્યો હતો. સુનાવણી દરમિયાન જ્યાં બેન્ચની અધ્યક્ષતા કરતા જસ્ટિસ રાજીવ શકધરે મેરિટલ રેપ અપવાદને રદ કરવાનું સમર્થન કર્યું હતું.
જ્યારે બીજી તરફ જસ્ટિસ સી હરિ શંકરે કહ્યું કે, IPC હેઠળ અપવાદ ગેરબંધારણીય નથી અને એક સમજદાર અંતર પર આધારિત છે. અરજદારે IPCની કલમ 375 (રેપ) હેઠળ મેરિટલ રેપને અપવાદ તરીકે ગણવા બંધારણીય રીતે પડકાર ફેંક્યો હતો. આ કલમ પ્રમાણે વિવાહિત મહિલા સાથે તેમના પતિ દ્વારા થતા જાતીય સબંધને દુષ્કર્મ માનવામાં નહીં આવશે જ્યાં સુધી કે પત્ની સગીર નહીં હોય.
હાઈકોર્ટે મેરિટલ રેપને ગુનો જાહેર કરવા મામલે પક્ષ રાખવા માટે વારંવાર સમય માંગવા પર કેન્દ્ર સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે કેન્દ્રને સમય આપવા માટે ઈનકાર કરતા પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. બેન્ચ સમક્ષ કેન્દ્રએ તર્ક રાખ્યો હતો કે, તેમણે બધા રાજ્યો અને ક્ન્દ્રશાસિત પ્રદેશોને આ મુદ્દે પોતાની ટિપ્પણી માટે પત્ર મોકલાવ્યો છે.
કેન્દ્રએ કહ્યું કે, જ્યાં સુધી ઈનપુટ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવે. બેન્ચના પૂછવા પર કહેવામાં આવ્યું કે, હજુ સુધી કોઈ પણ રાજ્ય સરકારની કોઈ પ્રતિક્રિયા નથી મળી.
એસ જી મેહતાએ પણ તર્ક આપ્યો છે કે, સામાન્ય રીતે જ્યારે એક કાયદાકીય અધિનિયમને પડકારવામાં આવે તો અમે એક સ્ટેન્ડ લીધું છે. આવા ખૂબ જ ઓછા કેસ હોય છે જ્યારે આ પ્રકારના વ્યાપક પરિણામ મળે છે. એટલા માટે અમારું સ્ટેન્ડ છે કે, અમે પરામર્શ બાદ જ પોતનો પક્ષ રાખી શકીશું.
અદાલત ભારતીય રેપ કાયદા હેઠળ પતિઓને આપવામાં આવેલી છૂટને પૂર્ણ કરવાની માંગ કરતી અરજીઓ પર વિચાર કરી રહી છે. હાઈકોર્ટે 7 ફેબ્રુઆરીએ કેન્દ્રને મેરિટલ રેપ અપરાધીકરણની માંગ કરતી અરજીઓ પર પોતાનો પક્ષ રાખવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો.
કેન્દ્રએ એક સોગંદનામું દાખલ કરીને અદાલતને અરજીઓ પર સુનાવણી ટાળવાનો આગ્રહ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, મેરિટલ રેપનુ અપરાધીકરણ દેશમાં ખૂબ જ દૂર સુધી સામાજિક કાયદાને પ્રભાવિત કરે છે અને રાજ્ય સરકારો સહીત વિભિન્ન હિત ધારકો સાથે એક સાર્થક પરામર્શ પ્રક્રિયાની આવશ્યકતા છે. HS