મેરેજ બ્યૂરોમા પતિએ વધુ આવક દર્શાવી, લગ્ન બાદ ભાંડો ફૂટ્યો
અમદાવાદ, અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન બાદ પતિના આઈટી રિટર્નમાં દર્શાવેલી રકમ ઓછી હતી અને મેરેજ બ્યુરોમાં આપેલી વિગતોમાં વધુ રકમ હોવાનું ધ્યાને આવતા પતિને વાત કરતા તેની સાથે ઝગડો કર્યો હતો.
જ્યારે આ યુવતી તેના પતિ સાથે કેનેડા ગઈ ત્યારે તેને ગર્ભ રહ્યો હતો અને તેની સાસુ ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરતા હતા અને ન કરાવે તો ગર્ભપાત કરાવવાની વાત કરતા હતા. આટલુ જ નહીં પૂત્રીને જન્મ આપશે તો સુવાવડમાં કોઈ કેનેડા નહિ આવે તેવું કહી ત્રાસ આપતા હતા.
રાણીપમાં રહેતી ૩૨ વર્ષીય યુવતી ૧૧ માસથી તેના માતા પિતા સાથે પિયરમાં રહે છે અને માસ્ટર ઓફ સોશિયલ વર્ક એમએસ ડબ્લ્યુમાં અભ્યાસ કરે છે. આ યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૨માં હાલ કેનેડા રહેતા અને મૂળ વિસનગરના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી અને સાથે લગ્નમાં પિયરમાંથી આવેલું સોનુ અને રોકડા ૧.૪૫ લાખ લઈને ગઈ હતી.
લગ્ન બાદ પતિને નોકરીના કામે હૈદરાબાદ જવાનું થતા બને પતિ પત્ની ત્યાં ગયા અને થોડા સમય ત્યાં રહ્યા હતા. જાેકે ત્યારે આ યુવતીને જાણ થઈ કે, તેનો પતિ ઇન્કમટેક્સ રિટર્નમાં આવક ઓછી બતાવી અને મેરેજ બ્યુરોમાં આપેલી વિગતોમાં આવક વધુ બતાવી હતી.
જેથી આ બાબતે પતિને વાત કરતા તેને ઝગડો કર્યો હતો. નવરાત્રીમાં આ યુવતી સાસરે વિસનગર આવી ત્યારે તેને થાયરોડની બીમારીના કારણે શરીર વધી જતાં તેના સાસરિયાઓ તેને ભેંસ જેવી થઈ ગઈ છે કહીને ત્રાસ આપતા હતા. યુવતીના પિતા પાસે તેના પતિએ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ખરીદવા અને કેનેડા જવા માટે લાખો રૂપિયા લીધા હતા.