Western Times News

Gujarati News

અ. મ્યુ.કો.માં મેલેરિયા વોલીયન્ટર્સ ભરતીઃ મહાકૌભાંડ

File

૧પ વર્ષ પહેલા ભરતી કરવામાં આવેલ ફાયર વોલીયન્ટર્સ ને દૈનિક રૂ.૩પ૦- પોલીયો વોલીયન્ટર્સને દૈનિક રૂ.૭પ ની સામે મેલેરિયા વોલીયન્ટર્સ ને રૂ.પ૦૦ ચુકવાય છે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહયો છે. ચોમાસાની સીઝન દરમ્યાન સમયસર ફોગીંગ આઈ.આર. સ્પ્રે તથા જરૂરી મેલેરિયા વર્કરોની ભરતી ન થવાનાકારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહયો છે. મ્યુનિ. કમીશ્નર અને શાસકપક્ષ અગમ્ય કારણોસર મેલેરિયા વિભાગ સામે આંખ આડા કાન કરતા રહયા હતા.

જયારે ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના કેસ મોટી સંખ્યામાં બહાર આવ્યા ત્યારે મનપાના મહાનુભાવો સફાળા જાગૃત થયા છે. તથા રોગચાળા ને પણ ઉત્સવો માં ફેરવી પ્રજાના રૂપિયાનો ધુમાડો કર્યા છે. મ્યુનિ. કમીશ્નરે મચ્છરોના બ્રીડીંગ રોકવા માટે એક સાથે હજાર વોલીયન્ટર્સ ની હંગામી ધોરણે ભરતી કરી છે. આ વોલીયન્ટર્સ ને માત્ર ત્રણ-ચાર કલાકના કામ માટે તગડી રકમ ચુકવવામાં આવી રહી છે.

તજજ્ઞો મેલેરિયા વોલીયન્ટર્સ ની ભરતી ને ફાયર વોલીયન્ટર્સ સાથે પણ સરખાવી રહયા છે. ફરક માત્ર એટલો જ છે કે ૧પ વર્ષ બાદ પણ ફાયર વોલીયન્ટર્સનું આર્થિક શોષણ થઈ રહયું છે. જયારે મેલેરિયા વોલીયન્ટર્સ ના કેસમાં પ્રજાના રૂપિયાનો ધુમાડો કરી રોગચાળો નિયંત્રણમાં લેવાના પ્રયાસ થઈ રહયા છે.

મ્યુનિ. કોર્પોરેશનમાં ચોમાસાની સીઝન શરૂ થાય તે પહેલા કેટલીક ખાસ પરંપરાઓને પૂર્ણ કરવામાં આવે છે. જેમાં પ્રિ-મોન્સુન એકશન પ્લાન છે. જેમાં તમામને લાભ થતો હોવાથી એકશન પ્લાનની પરંપરામાં કયારેય કાપકુપ થતી નથી. બીજી હેલ્થ પરંપરામાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી દવા, ઓઈલની ખરીદી કરવી તથા હંગામી ધોરણે મેલેરિયા વર્કરોની ભરતી કરવાની છે.

ચોમાસાની સીઝન શરૂ થઈ તે પહેલા જ મેલેરિયા ખાતાએ ૩પ૦ મેલેરીયા વર્કર દૈનિક રૂ.૩૧૦ ના પગારથી હંગામી ધોરણે લેવા માટે દરખાસ્ત રજુ કરી હતી. જેમાં અભ્યાસ ના નામે બે વખત કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ ૩પ૦ મજુરોમાં ઘટાડો કરી ર૦૦ મજુરો લેવા માટે શાસકોએ લીલી ઝંડી આપી હતી તથા પ્રજાના આરોગ્યના ભોગે મ્યુનિ.તિજારી પરનું ભારણ ઘટાડયું હોવાનો સંતોષ લીધો હતો.

તેવી જ રીતે આઈ.આર. સ્પ્રેના મામલે પણ સ્ટેન્ડીંગ કમીટીએ નિર્ણય લેવામાં અસહ્ય વિલંબ કર્યો હતો જા કે તેમાંમનપાને આર્થિક ફાયદો થયો છે. જયારે મેલેરિયા વર્કસની ભરતીમાં મ્યુનિ. તિજારી અને નાગરીકો ના સ્વાસ્થ્યને ખૂબ જ નુકશાન થયું હોવાના ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહયા છે !

મ્યુનિ. કમીશ્નરે મચ્છરજન્ય રોગચાળા ને નિયંત્રણમાં લેવા તથા ડોર ટુ ડોર સર્વેની કામગીરી વધુ સઘન કરવાના આશયથી એક હજાર વોલીયન્ટર્સની હંગામી ધોરણે ભરતી કરી છે.

વોલીયન્ટર્સ ને દૈનિક પ૦ મીલ્કતોના સર્વેનો ટાર્ગેટ સોપવામાં આવ્યો છે. જેની સામે દૈનિક રૂ.પ૦૦ આપવામાં આવશે.સુત્રોનું માનીએ તો પ૦ ઘરો ના સર્વે માટે વધુમાં વધુ ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે.

સર્વે પુરો થયા બાદ વોલીયન્ટર્સ ને અન્ય કોઈ કામગીરી કરવાની રહેતી નથી. મેલેરિયા ખાતામાં દર વર્ષે આ જ પધ્ધતિથી ૩૦૦ થી ૩પ૦ મેલેરિયા વર્કર લેવામાં આવે છે. જેમને શીફટદીઠ (આઠ કલાક) રૂ.૩૧૦ ચુકવવામાં આવે છે. જયારે વોલીયન્ટર્સ ને ચાર કલાક ના કામ માટે રૂ.પ૦૦ ચુકવાય છે. નોધનીય બાબત એ છે કે મેલેરિયા વર્કર રોડ પર દવા છંટકાવ જેવા પણ કામ કરે છે.

જયારે વોલીયન્ટર્સને આ પ્રકારના કામ સોપવામાં આવતા નથી. મ્યુનિ. ફાયર વિભાગમાં ૧પ વર્ષ પહેલા આ જ પધ્ધતિ થી વોલીયન્ટર્સ ની ભરતી કરવામાં આવી હતી. જેમનું ૧ર કલાકની કામગીરી પેટે દૈનિક રૂ.૩પ૦ ચુકવાય છે. જયારે સૌથી દયનીય હાલત પોલીયો વર્કરોની છે. પોલીયો ઝુંબેશમાં કામ કરનાર વર્કરોને દૈનિક ધોરણે માત્ર રૂ.૭પ આપવામાં આવે છે.

ગત વર્ષે સુધી તેમને માત્ર રૂ.પ૦ જ આપવામાં આવતા હતા. તેમજ પોલિયો ટ્રેનીંગ દરમ્યાન વોલીયન્ટર્સને માત્ર રૂ.દસ જ આપવામાં આવે છે.  આ રકમથી બસ ભાડા કરતા પણ ઓછી છે. જયારે મેલેરિયા વોલીયન્ટર્સ ને ચાર કલાકના કામ બદલ રૂ.પ૦૦ આપવામાં આવે છે. જે બાબતે અનેક શંકા-કુશંકાઓ થાય તે બાબત સ્વાભાવિક છે. ઉલ્લેખનીય બાબત એ છે કે મેલેરિયા વોલીયન્ટર્સ માટે કોઈ ઈન્ટરવ્યુ પ્રથાનો અમલ થયો નથી. તથા ભરતી કર્યા બાદ પધ્ધતિસરની તાલીમ આપવામાં આવી નથી.

તેથી અગાઉથી નિશ્ચિત થયેલ ભાણીયા-ભત્રીજાઓનો “મેમો” ખર્ચ નીકળે તે માટે આ પ્રકારના કામ માટે લેવામાં  આવ્યા હોય તથા સમયાંતરે વિવિધ પ્રકારના કામ સોપી “હંગામી ધોરણે કાયમી” કરવામાં આવે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનના આતરિક સુત્રોનું માનીએ તો એક હજાર વોલીયન્ટર્સ દૈનિક પ૦ ઘરના સર્વે કરે તો રોજ પ૦ હજાર ઘરમાં મચ્છર નિયંત્રણની કામગીરી થાય.

પરંતુ ૬ સપ્ટે થી ૧પ સપ્ટે સુધીના સમયગાળામાં દૈનિક ૩૦ હજાર મકાનોમાં દૈનિક ૩૦ હજાર મકાનોમાં સર્વેની કામગીરી થઈ છે. મતલબ કે, પ૦ ઘરના ટાર્ગેટ પૂર્ણ થયા નથી. પ સપ્ટે ના દિવસ ભરતી થયેલ વોલીયન્ટર્સને ૬ સપ્ટેમ્બરથી જ ફીલ્ડમાં મોકલવામાં આવ્યા છે. તેથી કામગીરીનું સ્તર કેવું હશે તે બાબત સમજી શકાય તેમ છે.

તેમ છતાં મ્યુનિ. વહીવટીતંત્ર ના વડા આ બાબતને પણ “અનોખી સિધ્ધિ” માની રહયા છે. જયારે મેલેરિયા વર્કરોની સંખ્યામાં ઘટાડો કરીને રૂપિયા બચાવ્યા નો હરખ કરતા શાસકોની સ્થિતિ ન કહેવાય ન સહેવાય” તેવી હોઈ શકે છે! તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.