Western Times News

Gujarati News

મેળામાં કરંટથી મૃત્ય કેસમાં તમામ ૯ આરોપીનો છૂટકારો

નરોડાના આનંદ મેળામાં બનેલી ઘટનામાં બાળકનું મૃત્યુનું કારણ કરંટ લાગવાથી થયું હોવાનો અભિપ્રાય મળ્યો નથી

અમદાવાદ,અમદાવાદના ચકચારી મયૂર ઠાકોર અપમૃત્યુ કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં ૧૦ વર્ષે તમામ આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂકવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પુરાવાનો અભાવની શંકાનો લાભ આપીને કોર્ટે આરોપીઓને છોડી મૂકવાનો ર્નિણય લીધો છે. નરોડાના આનંદ મેળામાં બનેલી ઘટનામાં બાળકનું મૃત્યુનું કારણ કરંટ લાગવાથી થયું હોવાનો અભિપ્રાય મળ્યો નથી.

આ કેસમાં ૯ આરોપીઓનો છૂટકારો થયો છે તેમાં બે એઈસીના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.વર્ષ ૨૦૧૨ની ૨૪ જૂનના રોજ ૯ વર્ષના મયૂર ઠાકોર નરોડામાં પોતાના ઘરથી માત્ર ૨૦ ફૂટ દૂર આવેલા આનંદ મેળામાં ગયો હતો, આ મેળામાં મોતના કૂવા પાસે શોર્ટ સર્કિટના લીધે દાઝી જવાથી તેનું મોત થયું હોવાની ફરિયાદ થઈ હતી.

જાેકે, આ ઘટના બાદ મોતના કૂવાના સંચાલકો દ્વારા તેનો મૃતદેહ પાલનપુર પાસેના એક ગામ પાસે ફેંકી દેવામાં આવ્યો હતો. જાેકે, મયૂરે પહેરેલા કપડાના આધારે તેની ૫ દિવસ પછી ઓળખ થઈ હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને મેળાના સંચાલક કૃણાલ ભટ્ટ, દેવચંદ્ર ચૌધરી સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપીઓની ધરપકડ બાદ આ કેસમાં તબક્કાવાર આરોપીઓને જામીન મળતા ગયા અને તેમનો જેલમાંથી છૂટકારો થઈ ગયો હતો. કોર્ટમાં પોલીસની બેદરકારી ના મુદ્દાઓને પણ ટાંકવામાં આવ્યા હતા. આ કેસમાં વીજ કંપનીના અધિકારીઓને પણ આરોપી ગણવામાં આવ્યા હતા. લાશ મળ્યા બાદ ઓળખ થયા પછી ડીએનએ તપાસ કરવામાં આવી હતી.

આ આરોપીઓનો નિર્દોષ છૂટકારોઃ અલ્તાફ અહેમદ રસીદ મહેમદ અંસારી, સત્તારખાન અબ્દુલહકીમ મુસલમાન,પ્રકાશ અંકુર સિંદે, કૃણાલ રમેશભાઈ ભટ્ટ, દેવચંદ્ર ત્રિવેણીભાઈ ચૌધરી, ભલાજી ભવાનજી ઠાકોર, શૈલેષ ઈન્દુલાલ શાહ (એઈસીકર્મચારી), બકુલચંદ્ર નરહરિપ્રસાદ વ્યાસ (એઈસીકર્મચારી)

પોલીસની બેદરકારીના મુદ્દા કોર્ટે ચુકાદામાં ટાંક્યા
– જે બાઈક અને ગાડીમાં મયૂરની લાશને લઈ જવામાં આવી હતી, તે અંગેના પંચો કોર્ટમાં હોસ્ટાઈલ થઈ ગયા.
– આરોપી સૌકતે પોલીસ કસ્ટડીમાં ગુનાની જગ્યા બતાવી હતી, જેથી પોલીસ કસ્ટડીની કબૂલાત માન્ય ના ગણાય.
– મયૂરના પિતા બાલાજી ઠાકોર અને જ્યોત્સનાબેનની હાજરીમાં પોલીસ અધિકારીઓએ આરોપીઓની ઓળખ પરેડ ના કરાવી.
– મયૂર ઠાકોરનું મોત કરંટ લાગવાથી થયું હોવાનું તપાસ અધિકારીએ સાબિત કર્યું નહીં, કોઈ સાક્ષીએ કરંટ લાગ્યો હોવાનું જાેયું નહીં.
– આખો કેસ સંયોગિક પુરાવા પર આધાર રાખે છે પરંતુ તે તપાસ કરનાર કોર્ટમાં રજૂ કરી કેસ સાબિત કરી શક્યા નથી.
– મયૂરને કરંટ લાગ્યા બાદ આરોપીઓ તેને લઈ ગયા હોય તેવું જાેનાર કોઈ સાક્ષી નહીં.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.