મેવાસા ગામે ખેડૂત યુવાને ઝેરી દવા પી લેતા ચકચાર
અમદાવાદ : જેતપુર તાલુકાના મેવાસા ગામે ખેતી ધરાવતા જામકંડોરણા ગામના મોટા ભાદરા ગામના વતી હિરેન ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ. ૨૫) નામના ખેડૂત યુવાને કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તાજેતરના કમોસમી વરસાદને લઇ રાજયભરમાં ખેડૂતો પર પાક નુકસાની અને પાકના ધોવાણની આવી પડેલી કુદરતી આપદાને લઇ ખેડૂતઆલમમાં ભારે ચિંતા અને નિરાશાના વાદળો ઘેરાયા છે ત્યારે એક પછી એક ખેડૂતની આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતાં રાજયના ખેડૂતઆલમમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
ખેડૂતોએ તાત્કાલિક ધોરણે હવે આ વિપત્તિના સમયમાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતરની સહાય ચૂકવવા અને પ્રસ્તુત કેસમાં મૃતક ખેડૂતના પરિવારજનોને પૂરતી અને યોગ્ય સહાય ચૂકવવા ઉગ્ર માંગણી કરી હતી.
જેતપુરના મેવાસા ગામે જામકંડોરણા ગામના મોટા ભાદરાના વતની હિરેન રાઠોડ ખેડૂત પરિવારમાં બે ભાઈઓમાં નાનો હતો અને અત્યારે મોંઘવારીના સમયમાં મોટો ભાઈ મજૂરી કરે અને પોતે ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેમાં ગયા વર્ષે નહીંવત વરસાદને કારણે કરજ કરીને ઉગાડેલ પાક સાવ નિષ્ફળ જતા જેમ તેમ કરી આખું વર્ષ વીતાવ્યું હતું.
ફરી સારા પાકની આશાએ વાવેતર કર્યું, જેમાં સારા વરસાદને કારણે સારા પાકની આશા બંધાણી ત્યાં પાછોતરા અને હાલના કમોસમી વરસાદે સારા પાકની આશા પર પાણી ફેરવી નાખ્યું, જેથી પોતાની નજરની સામે પાકનો નિષ્ફળ જતા જોવાનો વારો આવતાં ખેડૂત પુત્ર હિરેનને હવે શું કરીશ ?
તેવું વિચારી ચિંતામાં ને ચિંતામાં પોતાના જ ખેતરમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મોટા ભાદરા ગામના સરપંચ અશ્વિનભાઈ અટાળાએ જણાવ્યું હતું કે, મોટાભાદરાના યુવાન હિરેન ગોવિંદભાઇએ પોતાની મેવાસા ગામે આવેલી ખેતીની જમીનમાં પાક બગડી જતાં નુકસાન વેઠવું પડતા કરજના ભાર નીચે દબાઇ જવાથી જીવન ટૂંકાવ્યું હોવાનું તેમના પરિવારજનો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું.
બીજીબાજુ, વધુ એક ખેડૂતની આત્મહત્યાના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, ખેડૂતઆલમમાં પણ શોકની લાગણી ફેલાઇ હતી. ખેડૂતોએ ઉગ્ર આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, રાજયમાં તાજેતરના કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિને લઇ રાજયના ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયુ છે. પાકનું વ્યાપક ધોવાણ થયું છે ત્યારે હવે ખેડૂતને આપઘાત સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન હોય સરકારે તાત્કાલિક ખેડૂતોના પાક વીમા વિશે તાત્કાલિક કાર્યવાહી કરી ખેડૂત પરિવારોને નુકસાનીનું પૂરતુ અને યોગ્ય વળતર ચૂકવી આપવુ જાઇએ અને આપઘાત કરનાર યુવાન ખેડૂત હિરેનના પરિવારને તાત્કાલિક સરકારી સહાય આપવી જોઈએ તેવી ખેડૂતોએ ઉગ્ર માંગણી ઉચ્ચારી હતી.