મેહુલ ચોક્સીને ભારત લાવવા ભારતીય જેટ ડોમિનિકા પહોંચ્યું
નવી દિલ્હી, પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને ભારત લાવવાની કોશિશો તેજ થઈ છે. જાણવા મળ્યું છે કે ભારતથી એક ખાનગી જેટ ડોમિનિકા પહોંચ્યું છે. જેની પુષ્ટિ એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને કરી છે અને કહ્યું કે ડોમિનિકાના ડગલાસ-ચાર્લ્સ એરપોર્ટ પર ભારતનું એક ખાનગી જેટ છે.
મીડિયામાં જેટની તસવીરો જાહેર થયા બાદ એન્ટીગુઆમાં સ્થાનિક રેડિયો સ્ટેશનની સાથે વાતચીતમાં પીએમ બ્રાઉને સ્પષ્ટતા કરી કે ડોમિનિકામાં ડગ્લાસ-ચાર્લ્સ એરપોર્ટ પર ભારતનું એક ખાનગી જેટ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ જેટે નવી દિલ્હીથી ઉડાણ ભરી હતી અને મેડ્રિડ થઈને તે ડોમિનિકામાં ઉતર્યું હતું.
બ્રાઉને કહ્યું કે ભારત સરકારે દસ્તાવેજ મોકલ્યા હતા. જે સાબિત કરે છે કે મેહુલ ચોક્સી ભાગેડુ છે. આ દસ્તાવેજનો બુધવારે કોર્ટમાં બતાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત સરકાર ચોક્સીના પ્રત્યાર્પણ માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. જાે કે ભારતીય અધિકારીઓએ આ અંગે હજુ કોઈ પુષ્ટિ કરી નથી.