મે મહિનામાં કોરોનાથી મૃત્યઆંકના ૫૨% મોત ગામડાઓમાં થયા
ભારતે હજી સુધી તેની વસતીના માત્ર ૩.૧૨ ટકા લોકોને રસીના બંને ડોઝ આપ્યા છે, આ વૈશ્વિક સરેરાશના ૫.૪૮ ટકા કરતા ઘણા ઓછા છે
નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની લહેર ધીમી પડી રહી છે. મે મહિનામાં કોરોના મહામારીને કારણે થયેલા કુલ મૃત્યુમાંથી ૫૨ ટકા દેશના ગ્રામીણ વિસ્તારોમાં થયા છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરોમેન્ટના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. અહેવાલ મુજબ, આ વખતે કોરોનાની બીજી લહેરની વધુ અસર દેશના ગ્રામ્ય વિસ્તારોમાં જાેવા મળી છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાના ૫૩ ટકા નવા કેસ અને ૫૨ ટકા મૃત્યુ ગ્રામીણ જિલ્લાઓમાં થયા છે. દેશમાં મે મહિનામાં ૯૪.૧૨ લાખ કોરોના વાયરસ સંક્રમણના કેસ અને ૧.૨૩ લાખ લોકોના મોત નોંધાયા છે. એપ્રિલમાં ભારતમાં ૬૪.૮૧ લાખ સંક્રમણના કેસ અને ૪૫,૮૬૨ લોકોનાં મોત નોંધાયા છે.
તેની તુલનામાં મે મહિનામાં કોરોના સંક્રણમાં ૪૩ ટકા અને મૃત્યુમાં ૧૬૩ ટકાનો વધારો નોંધાયો હતો. જાે કે, તે રાહતની વાત છે કે લગભગ બે મહિના પછી છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના સૌથી ઓછા ૧,૨૦, ૪૫૪ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ૩૩૪૯ લોકોનાં મોત નીપજ્યાં. રિપોર્ટ અનુસાર, ભારતે હજી સુધી તેની વસ્તીના માત્ર ૩.૧૨ ટકા લોકોને રસીના બંને ડોઝ આપ્યા છે. આ વૈશ્વિક સરેરાશના ૫.૪૮ ટકા કરતા ઘણા ઓછા છે. અહેવાલ મુજબ, એપ્રિલ મે મહિના દરમિયાન કોરોનાની બીજી લહેરમાં પીક આવ્યા પછી રસીકરણની ગતિ મે મહિનાથી ધીમી પડી ગઈ છે.
અહેવાલ મુજબ ૩૧ મે સુધી વિશ્વભરમાં ૨ અબજ લોકોને રસી આપવામાં આવી છે. આમાંથી ભારતમાં માત્ર ૨૦૦ કરોડ લોકોને રસી મળી છે. એક તરફ ધીમી ગતીએ રસીકરણ અને બીજી તરફ કોરોના કેસ ઘટાતા મળતી છૂટછાટમાં લોકોની ભીડ પૂર્વવત રસ્તાઓ પર વધી રહી છે. જેને લઈને કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે જાે કોરોનાને લઈને શિથલ નીતિઓ રાખાવામાં આવશે તો સ્થિતિ ફરી વણસી શકે છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે આપણે કોરોનાની બીજી લહેરમાં સાથે મળીને ખૂબ જ સારી લડત આપી છે. નીતી આયોગના સભ્ય ડો.વી.કે. પોલે કહ્યું કે જાે આપણી શિસ્ત, કન્ટેન્ટ ઝોન બનાવવાનાં પગલાં અને રસીકરણની ગતિમાં ઘટાડો થયો
તો પરિસ્થિતિ ફરી વણસી શકે છે. નોંધનીય છે કે ગુજરાતના ૩૬ શહેરોમાં સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી જ દુકાનો અને ધંધા ખૂલવાની છૂટછાટ હતી. પરંતુ આજે ૪ જૂનથી આ નિયમ બદલાઈ ગયા છે. આ સાથે સોમવારે ૭ જૂનથી રાજ્યની સરકારી અને પ્રાઈવેટ ઓફિસોમાં ૧૦૦ ટકા સ્ટાફ સાથે શરું રાખવાની મંજૂરી પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. જાેકે આ સાથે જ રાજ્યમાં હાલ ૩૬ શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ ૩૬ શહેરોમાં ૪ જૂન થી ૧૧ જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે.