મોંઘવારીમાં લક્ઝ્યુરિયસ કાર્સનાં રેકોર્ડ બુકિંગ થયા
મુંબઈ, ભારતમાં આર્થિક અસમાનતા એટલી હદે વધી છે કે જનતાનો મોટો વર્ગ મોંઘવારીની ફરિયાદ કરે છે જ્યારે બીજાે વર્ગ અઢળક સંપત્તિમાં આળોટે છે.
મર્સિડિઝ, લેમ્બોર્ગિની અને બીએમડબલ્યુ જેવી કારની ડિમાન્ડને જાેવામાં આવે તો એવું લાગશે કે ભારતમાં આર્થિક મુશ્કેલી જેવું કંઈ છે જ નહીં. તમામ લક્ઝરી કાર કંપનીઓના બુકિંગ અત્યારે રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે અને એક વર્ષ કરતા વધુ સમય સુધી વેઈટિંગ પિરિયડ ચાલે છે.
લક્ઝરી કારના વેચાણના આંકડા જાેતા સમજાશે કે ધનિક વર્ગ કોન્ફિડન્સથી ભરપૂર છે અને ધૂમ ખરીદી કરી રહ્યો છે. ફોક્સવેગનની માલિકીની ઈટાલિયન સુપર-લક્ઝરી કાર બ્રાન્ડ લેમ્બોર્ગિનીએ ૨૦૨૨માં ભારતમાં જેટલી કાર વેચવાનું આયોજન કર્યું હતું તે કાર મે મહિનામાં જ વેચાઈ ગઈ છે.
બીએમડબલ્યુ માને છે કે ચાલુ વર્ષમાં તે ભારતમાં બે આંકડામાં ગ્રોથ નોંધાવશે. ટાટા ગ્રૂપની માલિકીની બ્રાન્ડ જેએલઆરએ પણ આ વર્ષે વિક્રમજનક બુકિંગ નોંધાવ્યું છે.
ભારતમાં લક્ઝરી કારના લોકલ બુકિંગની વાત કરીએ તો લગભગ ૧૦,૦૦૦ કાર બૂક થઈ ગઈ છે જેની કુલ કિંમત ૫૦ કરોડ ડોલર જેટલી થાય છે. લક્ઝરી કારની ડિલિવરી માટે લાંબો વેઈટિંગ પિરિયડ છે અને તાજેતરમાં કારના ભાવ વારંવાર વધ્યા હોવા છતાં ધનિક ગ્રાહકોને કોઈ વાંધો નથી.
અમુક લક્ઝરી કારના ભાવમાં તાજેતરમાં ૨૦ લાખ રૂપિયા સુધીનો વધારો થયો છે. મર્સિડિસ બેન્ઝ ઈન્ડિયાના એમડી માર્ટિન સ્કવેન્કે જણાવ્યું કે ભાવ વધારવા છતાં ડિમાન્ડને કોઈ અસર નથી થઈ. અમે ૨૦૨૨ના પ્રથમ ક્વાર્ટરમાં જ ૪૦૦૦થી વધુ કાર વેચી છે. અમને વિશ્વાસ છે કે આખા વર્ષ દરમિયાન આ ગતિ જવાશે અને અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ નોંધાવીશું.
બીએમડબલ્યુ ગ્રૂપ ઇન્ડિયાના પ્રેસિડન્ટ વિક્રમ પાવાહે જણાવ્યું કે ૨૦૨૨ના પ્રથમ ક્વાર્ટરમાં બીએમડબલ્યુના વેચાણમાં ૨૫ ટકા વધારો થયો છે. આગામી ત્રણ મહિના સુધી ફૂલ બુકિંગ થઈ ગયું છે. હાલમાં ૨૦૦૦ બીએમડબલ્યુ કારનું બુકિંગ છે, મિનિ બ્રાન્ડની ૨૦૦ કાર બૂક થઈ છે જ્યારે બીએમડબલ્યુ મોટોરાડ બાઈક માટે ૧૫૦૦ ગ્રાહકો વેઈટિંગમાં છે.
આઉડી ઈન્ડિયાના વડા બલબિર સિંહ ધિલ્લોને જણાવ્યું કે તેમની ટોપ-એન્ડ કારની ભારે ડિમાન્ડ છે. અત્યારે લક્ઝરી કાર ખરીદવા માટે ગ્રાહકોમાં પોઝિટિવ સેન્ટીમેન્ટ છે. લેમ્બોર્ગિની ઇન્ડિયાના વડા શરદ અગરવાલે કહ્યું કે, અમારા તમામ મોડેલ માટે ૧૦થી ૧૨ મહિનાનો વેઈટિંગ પિરિયડ છે. અત્યારે અમે ૨૦૨૩માં ડિલિવરી માટે ઓર્ડર લઈ રહ્યા છીએ.SS2MS