મોજશોખ માટે કટ્ટો રાખતો શખ્સ ઝડપાયો
(પ્રતિનિધિ)અમદાવાદ, ક્રાઈમ બ્રાંચની ટીમે સરખેજ રોઝા ખાતેથી મોજશોખ ખાતર દેશી કટ્ટો રાખતાં શખ્સની અટક કરી છે. આ અંગેની વિગત એવી છે કે પીએસઆઈ આઈ.એસ.રબારીને એક શખ્સ પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમી મળી હતી. જેને આધારે તેમણે પોતાની ટીમ સાથે મંગળવારે બપોરે અઢી વાગ્યે સરખેજ રોઝા પાછળ આવેલાં ખુલ્લાં મેદાનમાં દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો હતો અને તપાસ કરતાં તેની પાસેથી એક દેશી કટ્ટો મળી આવ્યો હતો.
કટ્ટો રાખનાર તાબીશ હૈદર ખાદીમઅલી મિર્ઝા(ખુશ્બુ ડુપલેક્ષ, અંબર ટાવર, સરખેજ)ની પૂછપરછ કરતાં તેણે કાર્તિક મદ્રાસી (ચેન્નાઈ, તમિલનાડુ)નામનાં મિત્રએ શકીલ શેખ (બરફની ફેક્ટરી, જુહાપુરા)ને આ કટ્ટો રાખવા આપ્યો હતો અને મોજશોખ ખાતર પોતે પાંચ મહિના અગાઉ શકીલ પાસેથી લીધો હોવાનું જણાવ્યું છે. પોલીસે શકીલ તથા કાર્તિકને શોધવા ટીમ રવાના કરી છે.