મોજશોખ માટે હથિયાર રાખતાં ચાર શખ્સો ઝડપાયા :ર પિસ્તલ, ૧ તમંચો કબજે
એસ.જી.હાઈવે પર ક્રાઈમ બ્રાંચનુ સફળ ઓપરેશન
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીને આધારે ઈસ્કોન મંદિર પાછળથી ચાર શખ્સોને બે દેશી પિસ્તોલ એક દેશી તમંચો ઉપરાંત બે કારતુસ સાથે ઝડપી લીધા હતા. આ અંગેની વિગત એવી છે કે ક્રાઈમબ્રાંચના પી આઈ બારોટની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કેટલાંક ઈસમો કારમાં હથિયારો સાથે પસાર થવાના હોવાની બાતમી મળી હતી જેને આધારે સેટેલાઈટ ઈસ્કોન મંદીર પાછળ આવેલા સરકારી બગીચા આગળ વોચ ગોઠવતા ગુરૂવારે સાંજે હોન્ડા સિવિક કાર રોકીને જયરાજ ડોડીયા (બોપલ), જયદીપ પરમાર (જુનાગઢ) પરમજીતસીંગ ચીમા (બોપલ) અને દિપક તોમર (નિકોલ)ને ઝડપી લીધા હતા તથા કારની તપાસ કરતા તેમાંથી બે દેશી પિસ્તોલ એક તમંચો તથા બે કારતુસ મળી આવ્યા હતા.
પ્રાથમિક તપાસ કરતા દિપક તોમરે જણાવ્યુ હતુ. અઢી માસ અગાઉ ચારેય ભાડેથી કાર લઈ મધ્યપ્રદેશના ભીન્ડ જીલ્લા ખાતેથી રવિ ભદોરીયા નામના શખ્સ પાસેથી હથિયારો ખરીદીને લાવ્યા હતા જે મોજશોખ માટે સાથે રાખતા હતા અને ગ્રાહક મળે તો વેચી દેવાના હતા. નોંધનીય છે કે દિપક અગાઉ યુનિવર્સીટી પોલીસના હાથે મારામારીના ગુનામાં ઝડપાયેલો છે ક્રાઈમબ્રાંચે ચારેયની વધુ તપાસ હાથ ધરી છે.