મોટાભાગની શાકભાજીનો એક કિલોનો ભાવ ૨૦૦ને પાર
અમદાવાદ, શહેરમાં અનેક શાકભાજીના ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. ૨૦૦ ક્લબમાં હવે ભીંડા, મરચાં અને લીલા વટાણા જેવા શાકભાજીનો સમાવેશ થાય છે.
ભાવ એટલા વધારે છે કે હવે લોકોની થાળીમાંથી અમુક શાકભાજીના ગાયબ થઈ રહ્યા છે. સોમવારે હોલસેલ માર્કેટમાં લીંબુનો એક કિલોનો ભાવ ૨૦૦ રૂપિયા હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં છુટક ભાવ ૪૦૦ રૂપિયા હતો.
APMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તાપમાનમાં વધારો થઈ રહ્યો હોવાથી, ઉનાળુ શાકભાજી ટૂંક સમયમાં માર્કેટમાં આવશે.
આગામી પખવાડિયામાં સ્ટોકથી ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. શહેરમાં ખાસ કરીને સલાડમાં વપરાતા શાકભાજીનો વપરાશ વધ્યો છે.
કોરોના પીક બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃત બન્યા છે’, તેમ અમદાવાદ APMCના સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું હતું. ‘તેથી શાકભાજીની માગ પણ વધી છે’, માર્કેટમાં આગામા દિવસોમાં ફ્રેશ જથ્થો આવ્યા બાદ ભાવ સહેજ ઘટશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
APMC વેપારી અબ્બાઝ ઝાફરીએ કહ્યું હતું કે, મોટાભાગના શાકભાજી મહારાષ્ટ્રમાંથી લાવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, ઈંધણના ભાવમાં વધારો થતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે.
તેમણે જણાવ્યું હતું કે, આ પરિબળ શાકભાજીના ભાવને અસર કરે છે. ‘એકવાર સ્થાનિક ખેતરમાંથી શાકભાજી આવી ગયા બાદ, ભાવમાં ઘટાડો થશે’, તેમ તેમણે કહ્યું હતું.નામ ન જણાવવાની શરતે સેટેલાઈટના એક વેપારીએ કહ્યું હતું કે, ‘લોકોને શાકભાજીના ભાવ પરવડે તે માટે અમે કેટલીકવાર સારી ગુણવત્તાવાળા શાકભાજીને હલકી ગુણવત્તા ધરાવતા શાકભાજી સાથે મિક્સ કરી દઈએ છે.
હાલ લીલા લીંબુને સૌથી સારી ગુણવત્તા ધરાવતા લીંબુ સાથે મિક્સ કરવામાં આવે છે.મોટેરામાં શાકભાજીના વેપારી રવિ મારવાડીએ જણાવ્યું હતું કે, ‘શાકભાજી લાવવા માટે આ વિસ્તારના અમે ચાર વેપારીઓ સાથે મળીને રિક્ષા હાયર કરીએ છીએ.
પહેલા એક ફેરાના ૫૦૦ રૂપિયા આપતા હતા, પરંતુ હવે CNGના ભાવમાં વધારો થતાં ભાડું વધીને ૭૦૦ રૂપિયા થઈ ગયું છે. અમે તે ભારણ ગ્રાહકો પર નાખવા માટે મજબૂર છીએ.
APMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો હોલસેલ ભાવ જાણતા નથી, તેથી તેઓ તેમના સ્થાનિક વિક્રેતાઓ પર વિશ્વાસ રાખે છે. ‘જાે શાકભાજીના હોલસેલ ભાવમાં ઘટાડો થયો તો પણ, રિટેલર્સ આગામી ચારથી પાંચ દિવસ સુધી વધારે પૈસા લેવાનું યથાવત્ રાખશે’.